2 - ભીંજાતી ક્ષણોમાં લખવાની ગઝલ / રિષભ મહેતા


પળ પળે પળ શ્વાસને લખતા રહો
દર્દના એહસાસને લખતા રહો

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસને લખતા રહો

શ્વાસના ખુશ્બુના સુકાઈને ખર્યા
આ વિવશ મધુમાસને લખતા રહો

તરબતર આંખોને ના લૂછી હવે
છમ્મ લીલી પ્યાસને લખતા રહો

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશને લખતા રહો



0 comments


Leave comment