31 - અનુભવનો છે ખજાનો / લક્ષ્મી ડોબરિયા


બસ ‘ના’ કહીને આપ્યો, મોકો તમે મજાનો,
મ્હોરાં ઉતારવાનો, ખુદને તરાશવાનો.

વસમા વખતને ખાળ્યો, મેં પાનખરની જેમ જ,
ને, શોખ કેળવ્યો છે, મેં મૂળ સીંચવાનો.

ઠસ્સો છે આગવો ને છે આગવી અદાઓ,
ચહેરાના ચાસ પાછળ અનુભવનો છે ખજાનો.

પડઘો હૃદય જો પાડે, નિશ્ચિંત થઈને પાડે,
દાવો કરે નહીં એ, ખોટાં અને ખરાનો.

ઘટના ઘટી એ સાથે, શરૂઆત સ્હેજે થઈ ગઈ,
પણ અંત વારતાનો, ધાર્યા મુજબ થવાનો.

નિઃશેષ થઈ જવાનો, મેં દાખલો ગણ્યો’તો,
તમને મળીને લાગ્યું, સાચો પડી જવાનો. 


0 comments


Leave comment