34 - રોશની થઈ / લક્ષ્મી ડોબરિયા


‘કોઈ છે’ની લાગણી થઈ,
ભીતરે થી રોશની થઈ.

આ સમયની શારડીથી,
કેટલી ક્ષણ વાંસળી થઈ.

પત્ર લખવાનું થયું મન,
આંખ ત્યાં તો વાદળી થઈ.

પંખી આવ્યું લઈ તણખલું,
ત્યાં ટહુકતી ડાળખી થઈ.

‘કેમ છો?’ પૂછ્યું તમે ત્યાં-
હું હૃદયને ખોલતી થઈ.

ભાવિ મારું મેં લખ્યું તો,
હસ્તરેખા પાંગળી થઈ.

આ ગઝલ સંજીવની છે,
જાત એથી જીવતી થઈ. 


0 comments


Leave comment