81 - યાદને થાળે સજાવી, લોક તો ચાલ્યાં ગયાં / નીરજ મહેતા


યાદને થાળે સજાવી, લોક તો ચાલ્યાં ગયાં
આંખમાં કૂવો ગળાવી, લોક તો ચાલ્યાં ગયાં

કાલ જ્યાં ઉત્સવ હતો આજે નર્યું મેદાન છે
કાખમાં ઘરને દબાવી, લોક તો ચાલ્યાં ગયાં

હું સ્વયંને બંધ રાખીને કશે બેઠો હતો
દ્વાર ખૂબ જ ખટખટાવી, લોક તો ચાલ્યાં ગયાં

આજ પણ ભીતર જતાં ભૂલાં પડાતું હોય છે
ઉરમાં રસ્તા બિછાવી, લોક તો ચાલ્યાં ગયાં

આ નગરમાં કેદ થઇને રહી જવાયું એકદમ
આ નગરની ખોઈ ચાવી, લોક તો ચાલ્યાં ગયાં


0 comments


Leave comment