૮૩ ઝાંખુંપાંખું એક આનન લઇ ફરું છું / નીરજ મહેતા


ઝાંખુંપાંખું એક આનન લઇ ફરું છું
આંખમાં એના જ ખંજન લઇ ફરું છું

કોઇ નમણા હાથનું ધન લઇ ફરું છું
રોજ ગજવામાં જ કંગન લઇ ફરું છું

શોધવાને ચંદ્ર જેવી શ્વેત ખુશ્બૂ
ભરબપોરે ઝૂરતું મન લઇ ફરું છું

શક્ય છે કે વાંસળીનો સૂર ફૂટે
શ્વાસમાં હું વાંસનું વન લઇ ફરું છું

એમની જીદ પાંપણો પર બેસવાની
’ને હૃદયમાં હું સિંહાસન લઇ ફરું છું

એક સાંજે સહેજ અડક્યો ગાલ એના
ટેરવે આજેય કંપન લઇ ફરું છું

(શહીદેગઝલ)