૮૬ દીવાલ સાથે માથું અફળાવીને જોયું છે / નીરજ મહેતા


દીવાલ સાથે માથું અફળાવીને જોયું છે
પીડાની છેલ્લી હદ સુધી આવીને જોયું છે

ઈચ્છા નથી મરતી, નથી પૂરી થતી- એથી
કૈંવાર મનને મેંય સમજાવીને જોયું છે

એકે તરફથી એટલો સધ્ધર નથી ઉત્તર
બંને દિશાથી કાન પકડાવીને જોયું છે

અગિયારમા સ્થાને હઠીલો પૂર્વગ્રહ બેઠો
ઈમાન પાસે આંખ વંચાવીને જોયું છે

થાકે ટકોરા, ક્યાંય હોંકારો નથી મળતો
હા, બંધ ડેલીનેય ખખડાવીને જોયું છે

પૂરા થવાની આશમાં સૂવાથી નહિ ચાલે
તેં કોઇ દિ’ એ સ્વપ્નને વાવીને જોયું છે ?0 comments