૭ - પૂછ્યું મેં કોણ છે!ઉત્તર મળ્યો યયાતિ છે / મુકુલ ચોકસી


પૂછ્યું મેં કોણ છે! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.

બીજાને તૂટતા જોવા કરે છે આવું એ ?
આ આયનાનું વલણ કેમ આત્મઘાતી છે ?

ને આભ જેવા નિસાસાઓ ઢાંકવા માટે,
આ નાનાનાના પ્રપંચોની ખૂબ ખ્યાતિ છે.

સૂરજનું ખૂન થયું હોય એવો સંભવ છે,
આ ઢળતી સાંજે ક્ષિતિજ આખી કેમ રાતી છે ?

ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે.

જો સ્થિરતા જ અનિવાર્ય હોય, હે મિત્રો,
ઢળી જવાની જરૂરિયાત પણ તો તાતી છે.

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.


0 comments


Leave comment