44 - સંવેદના જાગી હતી / લક્ષ્મી ડોબરિયા


એક ઝીણી ક્ષણ મને વાગી હતી,
મેં મુલાયમ વેદના માંગી હતી.

હાથતાળી આપશે ન્હોતી ખબર,
મેં સમયની ચાલને તાગી હતી.

આંગળી આ શબ્દની પકડી અને-
રેશમી સંવેદના જાગી હતી.

મેં વિષાદી સાંજને ચાહી જરા,
તો ખુશાલી રીસમાં ભાગી હતી.

મેં અપેક્ષા હૂંફની રાખી અને,
તેં હૃદયની લાગણી ત્યાગી હતી.

એટલે સપનાં કદી આવ્યાં નહીં,
પાછલી સૌ રાત વૈરાગી હતી.

લાગણી થઈ ગઈ હરણને એ પછી,
પ્યાસ મૃગજળની મને લાગી હતી. 


0 comments


Leave comment