45 - શબ્દનો હું ઉજાસ રાખું છું / લક્ષ્મી ડોબરિયા 


મન ને થોડું ઉદાસ રાખું છું,
એમ એની તપાસ રાખું છું.

કોઈ ભીતરથી માર્ગ ચીંધે છે,
હું મને આસપાસ રાખું છું.

વાર વહેવારે કોરાં કાગળ પર,
ખુદને મળવાનું ખાસ રાખું છું.

એટલે તો છે લાગણી ઘેરી,
મૂળ સોતી હું પ્યાસ રાખું છું.

કૈં વધારે તો ક્યાં કશું રાખ્યું?
એના નામે આ શ્વાસ રાખું છું.

મહિમા હું આપવાનો જાણું છું,
એથી હૈયામાં ચાસ રાખું છું.

આથમે નહિ એ સૂર્યની માફક,
શબ્દનો હું ઉજાસ રાખું છું. 


0 comments


Leave comment