48 - શરૂઆત થઈ સવાઈ / લક્ષ્મી ડોબરિયા


તૂટ્યું ભરમનું દર્પણ એ ઘાત થઈ સવાઈ,
ખુદને મળું છું એવી નિરાંત થઈ સવાઈ.

ઊભા રહો નમીને એ પાઠ લેખે લાગ્યો,
તરણાંની જેમ અહિંયા આ જાત થઈ સવાઈ.

કોઈના આગમનની ધારી અસર થઈ છે,
નિઃશેષ થઈ જવાની તાકાત થઈ સવાઈ.

સ્હેલું તો ના હતું પણ પાછા વળ્યા સમયસર,
આગળ જવાની ત્યાંથી શરૂઆત થઈ સવાઈ.

પર્ણો ખર્યાના ગાણાં ક્યાં ડાળખીએ ગાયા?
કૂંપળની એની પાસે પુરાંત થઈ સવાઈ.

ખૂણાંએ હૂંફ આપી થીજી ગયેલી ક્ષણને,
પીડાની પણ જુઓ ત્યાં રજૂઆત થઈ સવાઈ.

સન્માન લાગણીનું સ્હેજે થઈ ગયું છે,
જીદ જીતવાની છોડી તો મ્હાત થઈ સવાઈ. 


0 comments


Leave comment