49 - સંપત કરી / લક્ષ્મી ડોબરિયા


બેફીકર થઈ વાતો સૌ અંગત કરી,
ક્યાં અમસ્તી ભીંતથી સંગત કરી?

ઓગળ્યા છે ભ્રમ અમાસી આખરે,
વાટ સમજણની મેં જ્યાં ઉન્નત કરી.

કલ્પના કાળી પડી ગઈ જોઈને,
એ હકીકત પીને મેં ગમ્મત કરી.

સાચવી લે છે સમયને સંપથી,
દર્દ-પીડાએ જુદી પંગત કરી.

ખીણના ખોળામાં પડખા ફેરવી,
શાંત પડઘા થઈ ગયા રંગત કરી.

બેઉ હાથે વ્હેંચવા આ શબ્દની,
રાત દિ’ મેં એકઠી સંપત કરી.

એક ગમતી સાંજને મેં આખરે,
ઘરને પણ અજવાળવા સંમત કરી. 


0 comments


Leave comment