૩૪ - પવન ! એમના ઘર તરફ / શોભિત દેસાઈ


સુરીલા બની જાશે સઘળા અવાજો,
દરેક ગીત એને ઉદ્દેશીને ગા જો !

જે આવ્યા હો લાંબી સફરમાંથી એને,
ચહેરાના આશ્વર્યનું ઘેન પાજો.

દરેક પર્ણને સૂર્ય સાક્ષાત્ ચૂમે,
કરે દર સવારે શરદ ખેલ તાજો.

તમારામાં સંદેશા વહેતા મૂકું છું,
પવન ! એમના ઘર તરફ થઈને વાજો.

ન ગમતું બને કંઈક કે તત્ક્ષણે આ,
અધર વાંકા કરવાની એની અદા જો !

ઘણાં વર્ષે એણે કહેણ મોકલ્યું છે,
મને થાય છે, તોડી નાખું રિવાજો.




0 comments


Leave comment