૨૧ તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ? / મુકુલ ચોક્સી


તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ?
હવે આકાશની તમને પડી લાગે છે તંગી, કેમ ?

તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું
ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ?

અચાનક મારી સામે આમ આ બપોરને વખતે,
ક્ષિતિજના સૂર્ય જેવું તે હસે છે રક્તરંગી કેમ?

બની’તી જે હકીકત, વારતારૂપે તો ગમતી’તી,
હવે મારી કથારૂપે એ લાગે છે કઢંગી કેમ?



0 comments


Leave comment