54 - સરી તો જો / લક્ષ્મી ડોબરિયા


અહમ્ છોડી જરા તું વાત પોતાની કરી તો જો
અરીસો બોલશે સાચું તું ચહેરાને ધરી તો જો.

જતન મ્હોરાનું પણ કરવું પડે એ વાત માની જઈશ,
કદીક આ વેશ મારો તું ય પહેરીને ફરી તો જો.

પછીથી ઊંઘ આંખોમાં નહીં આવે કદી લાંબી,
ખુશીથી વેદના સંવેદના સાથે વરી તો જો.

કરે છે સાત દરિયાને તરી જાવાનો દાવો પણ,
છલોછલ લાગણીનું છે સરોવર એ તરી તો જો.

નસીબે હોય તો મળશે, ભલે પાસા પડે અવળા,
સમયનું રૂપ ધારીને સમય સાથે સરી તો જો.0 comments


Leave comment