55 - કરવું પડે / લક્ષ્મી ડોબરિયા


જાતને પુરવાર કરવા કેટલું કરવું પડે,
ને કદીક તો સાંભળ્યું ના સાંભળ્યું કરવું પડે.

શક્ય છે જે કંઈ થયું તે ના થયું કરવું પડે,
કાલ માટે, કાલથી આજે વધુ કરવું પડે.

વાત ટાણું સાચવી લેવાની જ્યારે હોય ત્યાં,
સ્મિત સાધી અશ્રુને સ્હેજે ગળ્યું કરવું પડે.

હાથમાં ના હોય એ બાબતનો લાગે ભાર તો,
આંખ આડા કાન રાખીને ઘણું કરવું પડે.

મન મુજબ રહેવામાં કંઈ ખોટું નથી પણ, સૌ પ્રથમ,
હાથમાં રાખીને મનને ઠાવકું કરવું પડે.

અહિં ફરજની વેદી પર હોવાપણું મૂકી અને,
દીકરીને બાપનું ઘર પારકું કરવું પડે.

સુખ કપૂરી હોય છે, આપી શકે ના હૂંફ એ,
હૂંફ માટે દર્દનું બસ તાપણું કરવું પડે. 
0 comments


Leave comment