56 - હોય છે / લક્ષ્મી ડોબરિયા


ક્યાંક હળવી ક્યાંક ભારી હોય છે,
ક્ષણ બધી ક્યાં એકધારી હોય છે?

ના કદી અણસાર આપે વાર નો,
આ સમય પાકો શિકારી હોય છે.

એ હકીકત, સ્વપ્ન જેવી લાગશે,
ધારણામાં જેને ધારી હોય છે.

જ્યાં નદી દરિયાને મળતી પ્રેમથી,
ત્યાંથી બસ, એ સાવ ખારી હોય છે.

હોય છે ક્યારેક પીડામાં કરાર,
ને ખુશીમાં બેકરારી હોય છે.

પાનખર વરસોવરસ પોંખ્યા કરે,
ડાળમાં એવી ખુમારી હોય છે.

છે મગજ આખું અને મન થોડું પણ,
પ્રેમમાં બંને જુગારી હોય છે. 


0 comments


Leave comment