57 - આમ ભરચક આમ ખાલી / લક્ષ્મી ડોબરિયા


આમ ભરચક આમ ખાલી,
મન તો છે જાદૂઈ પ્યાલી.

એ હતી નવજાત તો યે,
વાત આખી રાત ચાલી.

છે સવાલો સાવ નક્કર,
પણ, જવાબો છે ખયાલી.

ઘાસની લીલી સભા પર,
શ્વેત ઝાકળની છે લાલી.

સાત પગલા મેં ભર્યા છે,
ખુદની દુઃખતી રગને ઝાલી.

તું ગણિત એવું ગણે કે,
મુડી મુદ્દલ, વ્યાજ પાલી.

કેફિયત મારી સૂણીને,
આ ગઝલ પણ ફૂલી-ફાલી.


0 comments


Leave comment