64 - સમય શારડી વિશે / લક્ષ્મી ડોબરિયા


પૂછો નહીં અષાઢની એ તાવણી વિશે,
વરસે છતાં ન ભીંજવે એ વાદળી વિશે.

નોખી અદાથી જેણે સમય સાચવ્યો સતત,
અભિમાન પાનને થયું એ ડાળખી વિશે.

એ વાત આખી રાત પછી ચાલતી રહે,
અવઢવ જરાક હોય છે, બસ માંડણી વિશે.

ઉત્તર થઈને અવતરે છે શબ્દ સામટા,
પ્રશ્નો કરું છું ખુદને, સમય શારડી વિશે.

સૌની નજરને દિલમાં વસી જાય છે તરત,
હું તો ગઝલ કહું છું, સહજ સાદગી વિશે.

રેખાઓ કે નસીબથી ફળ પાકશે નહીં,
રહેજે સભાન આજની આ વાવણી વિશે.0 comments


Leave comment