67 - રજૂઆત કરી / લક્ષ્મી ડોબરિયા


એકલતા ને મ્હાત કરી,
કાગળમાં રજૂઆત કરી.

ઓસ ઘડીભર જીવી લે,
ઝળહળ ઝીણી ભાત કરી.

તથ્ય બતાવ્યું ભ્રમણાનું,
રેતી પર જળઘાત કરી.

ઓળખ મારી આપું છું,
જાત ને પારિજાત કરી.

કૂંપણના સધિયારાએ,
ડાળીને રળિયાત કરી.

આંખવટો સપનાને દઈ,
હાથવગી નિરાંત કરી.

હૈયું ખોલી, ખાળ્યું મન,
ગઝલોમાં મેં વાત કરી.


0 comments


Leave comment