૧ નિવેદન – તમે ઉકેલો ભેદ – આ ક્ષણે... / રમણીક સોમેશ્વર


કવિતાની ક્ષણ મારા માટે હંમેશા એક અંતરંગ અને અંગત બાબત રહી છે, જીવનના એક હિસ્સા જેવી. આ ક્ષણને હું જોતો રહું છું આશ્ચર્યવત્. કશો રોમાંચ હોય છે તો હોય છે કેવળ એ ક્ષણનો –

રજનીગંધાનો છોડ માટીમાંથી માથું બહાર કાઢી આકાશને તાકે તેમ ક્યારેક બધું ભેદી–છેદીને પ્રગટ થાય છે થોડી ક્ષણનો–આકાશને જોઈ લેવા, સૂરજને ઝીલી લેવા કે વેરાઈ જવા હવામાં. ક્યારેક ફૂંકાતાં પવન વચ્ચે પણ ટટ્ટાર ઊભી રહી ઝૂમી રહે છે થોડી પુષ્પિત ક્ષણો. એવી થોડી ક્ષણોને પૃષ્ઠોમાં અંકિત થતી કે પૃષ્ઠો વચ્ચે બંધાતી જોઈ રહી છું.

અનેક સ્મરણો ઘેરી વળે છે મને આ ક્ષણે –

અનેક નવાં કાવ્ય–સંગ્રહ પ્રત્યે આંગળી ચીંધી મારી કવિતાના લયને વહાવવાનું સૂચવતા
પ્રા. કવિ શ્રી હેમંત દેસાઈ,
ગઝલના કાવ્ય– સ્વરૂપની ભીતર–બહારની
બારીકાઈઓની ઓળખ કરાવતા કવિ
શ્રી અમૃત ‘ઘાયલ’,
કવિતા વિષે ધારદાર ચર્ચાઓ કરતા કવિ મિત્ર અરવિંદ ભટ્ટ,
જેમની સાથે કવિતા, છંદોલય, સાહિત્ય–પદારથ વ. વિશે મેં મન ભરીને ગોઠડી કરી છે, મનન–મંથન કર્યું છે અને અહીં પ્રગટ થયેલી પ્રત્યેક રચના જેની સાથે બેસી મમળાવી છે તેવા સર્જક, કવિ મિત્ર ડૉ. ધીરેન્દ્ર મહેતા –

આ ક્ષણે મારી ચેતનામાં ઝંકૃત થાય છે એ સૌનું હૂંફાળું સ્મરણ.

આ ક્ષણે હું સાદર સ્મરણ કરું છું એ સૌ સર્જકોનું જેમની સર્જકચેતનાથી આપણી કવિતા મહોરી છે અને જેમના નૈકટ્યે મારી આજની ક્ષણને સભર બનાવી છે.

સર્જકો, કવિઓ, મારા કવિમિત્રો સાવ નિકટના અંગતમિત્રો, મારા પ્રાધ્યાપકો, સ્વજનો, સહૃદયો જેમણે મારી માટીની આર્દ્રતા ટકાવી રાખી છે, નામોલ્લેખના કશા જ ઉપચાર વિના કહીશ એટલું જ જે એ સૌનું ભીનુંછમ્મ સ્મરણ સતત રણઝણે છે મારી ચેતનામાં.

અને સાહિત્યિક સામયિકો, કાવ્ય–સંપાદનો, આકાશવાણી, સુગમ સંગીતના ગાયક કલાકારો–જેમણે મારી કવિતાને ભાવક ચેતના સમક્ષ મૂકી આપી છે. ઓશિંગણ છું એ સૌનો.

મારી પત્ની, પુત્રી, પર્યાવરણ, પરિસ્થિતિ, પરિવેશ એ સૌનો હિસ્સો છે આ ઘટનામાં –

ક. લા. સ્વાધ્યાયમંદિરના નિમાયક શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાનું કહેણ ન આવ્યું હોત તો કઈ રીતે પહોંચી હોત આ કૃતિઓ મુદ્રણયંત્ર સુધી ? આભારી છું એમનો અને આ મુદ્રણમાં સહભાગી સો કોઈનો.

કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકનો સહજ પ્રતિભાવ આ સંગ્રહને સાંપડ્યો એ ક્ષણ આનંદભીની ક્ષણ છે મારા માટે.

મારા ઘરના રસ્તે ઉભેલું શિરીષ ગ્રીષ્મમાં હું પસાર થાઉં એની તળેથી ત્યારે વેરી દે છે એનાં પુષ્પો તેમ આ.... તમારા માટે.... ઉકેલો હવે....

- રમણીક સોમેશ્વર