૨ પ્રકાશીય નિવેદન / ચન્દ્રકાન્ત ટોપીવાળા


સદ્દગત બી.કે. મજૂમદારના વસિયતનામામાં પ્રગટ થયેલી સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં નવા સર્જકોને ઉત્તેજન આપવાની એમની ઇચ્છાના અનુસંધાનમાં રચાયેલી શ્રી બી.કે. મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી હેઠળ આ કાવ્યસંગ્રહ પ્રકશિત થઈ રહ્યો છે. આ સંગ્રહની રચાનાઓમાં નિહિતપણે રહેલો સંવાદ ધ્યાનાકર્ષક છે. કવિ કહે છે : ‘સૂસવતા–ઘૂઘવતા અંકાશી જીવથી જોડ્યો છે ધીમે સંવાદ.’ આ સંવાદને કારણે જ દરિયા અને ખારવણ વચ્ચે, વૃક્ષ અને પવન વચ્ચે, ઝાડ અને નદી વચ્ચે કોઈ નવો સંબંધ આ કવિ સ્થાપી આપતો જણાય છે. ખારવણ હીબકાં ભરે ને દરિયાની છાતી મૂંઝાય, વૃક્ષ ગોઠડી કરે અને પવન અંતરનાં ઊંડાણ ખોલે, વમળમાં ઝાડ અને પાન પાનમાં નદી ડોકાય – આવો પરસ્પરનો ચેતનાસંવાદ આ કવિની સૃષ્ટિમાં છેક એવી તદ્રુપતા પર પહોંચ્યો છે કે ‘દર્ભની સળીને ખેંચવા જતાં ખળભળી ઊઠે છે આખું બ્રહ્માંડ’,

કદાચ આવી તદ્રુપતા સાથે સંકળાયેલી કવિ ચેતના જ ‘કીડીના પદરવ’ને કે ‘પતંગિયાએ છેડેલી મધુર તરજ’ને સાંભળી શકે. આવો સંવાદ disturb ન થાય એ માટે આ કવિની શ્વાસ સમેટી ચુપચાપ ચાલી જવાની પણ તૈયારી છે.

ગઝલ, ગીત, પરંપરિત છંદ અને ગદ્યમાં વિવિધ પ્રકારે પ્રકટેલી આ કવિની સર્જકતા અલબત્ત, વિવિધ સ્તરે રહી છે. એમના એક દ્રષ્ટાંતને લક્ષમાં લઈને કહીએ તો એમની સર્જતાનું ક્યારેક ખાબોચિયું તો ક્યારેક તળાવ બંધાયું છે. ક્યારેક સર્જકતા નદી જેમ વહી છે, તો ક્યારેક સાગર જેમ ઘૂઘવી છે. હા, ક્યાંક ક્યાંક સર્જકતા ગ્લાસમાં પીવા જેટલી જ બચી છે. પરંતુ ચાંદલિયાને પણ ફેણ ઊછાળતો બતાવનારો આ કવિ વિકસવાની હજી પૂરી શક્યતા ધરાવે છે. શ્રેણીનો આ તેરમો મણકો છે.

- ચન્દ્રકાન્ત ટોપીવાળા0 comments