૭ વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં / રમણીક સોમેશ્વર


વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં
કદી ઝૂલીએં, કદી પવનની સંગાથે થોડું ઢળીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં

પવન વૃક્ષની ભીની ફોરમ સંગાથે લઈ ફરે
વૃક્ષ પવનને સંભારીને ડાળ ડાળ રણઝણે
રણઝણવું રણઝણવું રમતાં ખોવાઈએં ને જડીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં.

વૃક્ષ ગોઠડી કરે અને ટહુકાની ભાષા બોલે
પવન વૃક્ષ પાસે અંતરનાં ઊંડાણોને ખોલે
ઝીણું ઝંતર વાગે એને સ્થિર બની સાંભળીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં.