73 - હૈયું ભરી જવાનો / લક્ષ્મી ડોબરિયા


ખોટું, ખરું કરીને, ધાર્યું કરી જવાનો,
આ તો સમય છે, અંતે થાળે પડી જવાનો.

વિસ્તાર ડાળખીનો, કરવો હતો ને એથી,
શીખ્યા છે પાંદડાઓ, નુસખો ખરી જવાનો.

સંજોગ..તું અડીખમ, થઈને ભલે ને આવે,
મેં તો ઈરાદો રાખ્યો, ઝરણું થઈ જવાનો.

પગભર થઈ જવાયું, આ સત્ય જાણવાથી,
પડછાયો પણ તમસમાં, સાથે નથી જવાનો.

હૈયામાં હામ રાખી, ચૈતરનો રાગ સૂણ્યો,
એના પ્રભાવે દરિયો, વાદળ બની જવાનો.

તારો તું મોહ છોડી, ને ચાલ તારી સાથે,
હળવાશનો ઈજારો, સ્હેજે મળી જવાનો.

તું હાથ ખાલી છે નો, અફસોસ કાં કરે છે ?
ચાહતને આપ મોકો, હૈયું ભરી જવાનો.0 comments


Leave comment