76 - થઈ ગઈ છું / લક્ષ્મી ડોબરિયા


દર્પણ ભરમનું તોડી નિર્ભ્રાંત થઈ ગઈ છું,
ખોટી જિજીવિષાની હું ઘાટ થઈ ગઈ છું.

અજ્ઞાત થઈ ગઈ છું ને જ્ઞાત થઈ ગઈ છું,
આ ક્ષણનો મહિમા જાણી, નવજાત થઈ ગઈ છું.

હળવાશ મારા નામે આ રીતથી કરી મેં,
મારા જ સામે મારા, ઉપરાંત થઈ ગઈ છું.

કાં કેમ છો? નો ઉત્તર, ડાળીએ આમ આપ્યો,
મોસમ મુજબ ફળીને રળિયાત થઈ ગઈ છું.

જાણું છું હું મને શું? આ એક પ્રશ્ન લઈને,
ખુદનો જ ન્યાય કરવા તૈનાત થઈ ગઈ છું.

વહેવાનું, થીજવાનું કોઠે પડી ગયું છે,
સંવેદનાની ધારે પ્રખ્યાત થઈ ગઈ છું.

વ્હેતા સમયની સાખે ઊગું છું આથમું છું,
આપું છું ખુદને એવી સોગાત થઈ ગઈ છું. 


0 comments


Leave comment