77 - પણ / લક્ષ્મી ડોબરિયા


ખુદને મળી શકો બને એવા બનાવ પણ,
તૈયારી રાખવી પડે દેવાની દાવ પણ.

આવે છે ક્યાં સપાટી ઉપર સત્વ એમ નેમ ?
બસ, રાખવાનો હોય છે થોડો તનાવ પણ.

એવું થવાની શક્યતા તો સો ટકાની છે,
સારપના મૂળમાં હશે ‘હું’ નો પ્રભાવ પણ.

ધાર્યું કદાચ પાર તમે પાડતા હશો,
પણ ધારવાથી થાય છે ક્યાંયે લગાવ પણ?

સંબંધમાં વલણ હશે જો વેલ જેવું તો,
સહેલાઈથી ચડી શકો કપરા ચડાવ પણ.

અહિં સાંજ ને સવારની સરખી છે આરતી,
એ રીતથી સમયની જુઓ આવ-જાવ પણ.

‘તું આવશે’ ની રાહ મેં તો એમ જોઈ કે,
આ જિંદગીનો થઈ ગયો નોખો ઉઠાવ પણ.0 comments


Leave comment