78 - નિભાડો હોય છે / લક્ષ્મી ડોબરિયા


હોય છે એવો ય ગાળો હોય છે,
આ સમય જાણે નિભાડો હોય છે.

સ્હેજ નમતું જોખતાં સમજાશે કે,
વ્હેંત છેટે સાચો તાળો હોય છે.

આયનાની સરભરાથી નહિ પૂરાય,
તારી અંદર જે તિરાડો હોય છે.

કૂંપળો કઈ એમ તો ફૂટે નહીં,
પાનખરનો એમાં ફાળો હોય છે.

ખુદની સાથે દ્વન્દ્વ જ્યાં ચાલ્યા કરે,
મન-મગજ એવો અખાડો હોય છે

એ મને લઈ જાય છે મારા સુધી,
ખાલીપો મારો રૂપાળો હોય છે.

હે હૃદય! આ પ્રેમ છે, સંભાળજે,
સાવ સીધી ત્યાં કરાડો હોય છે. 


0 comments


Leave comment