79 - તરસને ખાળવાનું / લક્ષ્મી ડોબરિયા


છે વલણ બસ આપવાનું,
ને, તરસને ખાળવાનું.

થાય નહિ ધાર્યું કશું તો,
‘ના’ સૂણીને જાગવાનું.

ભાગ્ય મારું મેં લખ્યું કે,
રોજ ખુદને માંજવાનું.

સ્મિત ને આંસુ યે શીખ્યા,
અહિ સમયસર આવવાનું.

હોય જો ઢળતો સમય તો,
સાંજ માફક ઊગવાનું.

તૂટશે તો ગાંઠ પડશે,
છોડ ઝીણું કાંતવાનું.

દર્દ છે પણ પોતીકું છે,
એ સ્મરણમાં રાખવાનું. 


0 comments


Leave comment