૧૬ આપો કટકો કાગળ / રમણીક સોમેશ્વર


આપો કટકો કાગળ
આપો લેખણ રે
લખીએં ભીની વાત
સાજણ, સળેકડી જેવા આ દિવસ સરી ગયા
લંબાતી ઊભી છે માઝમરાત

ઢોલિયા જેમ ઢળેલાં વરસો રે
માથે ઝૂમે શ્રાવણનું આકાશ
તારાને અજવાળે સાજણ લખીએં રે
અમે અમારી ઝરમર ઝરતી રાત

બંધ ઓરડે વણબોટ્યું અંધારું રે
બંધ આંખમાં તરતી ભીની વાત
લખીએં તો તમને ઝાઝું શું લખીએં રે
લખીએં પારિજાત

આપો કટકો કાગળ
આપો લેખણ રે
લખીએં ભીની વાત
સાજણ, સળેકડી જેવા આ દિવસ સરી ગયા
લંબાતી ઊભી છે માઝમરાત