૨૦ હવે ઢોલિયે સમણાંઓની વણઝારું ઠલવાય / રમણીક સોમેશ્વર


હવે ઢોલિયે સમણાંઓની વણઝારું ઠલવાય....

આંગણે ભીના ભીના ઢોલ ધ્રબૂકતું
રોમાંચોનું અલ્લડ ટોળું
મારામાંથી મને ઉપાડી જાય

હું તો અમથી અમથી હસું-રડું ને
કોઈ અજાણી સળવળ રેખા –
સળવળ મારી હથેળીએ અંકાય....

મારી પાંસળિયુંના આટાપાટા
આજ અચાનક
રાંદલમાનું ગીત બની ફણગાય...

અચાનક રૂંવાડાં ને ઓકળિયું, ને
કંકુના થાપાની ટોળી
થપ્પો થપ્પો રમતાં મારું હોવું હારી જાય...

હવે ઢોલિયે સમણાંઓની વણઝારું ઠલવાય...