81 - પ્રભાવ ખાળું છું / લક્ષ્મી ડોબરિયા


દાદ એકાંતને હું આપું છું,
મૂડી ભીતરની બસ વધારું છું.

માત્ર ઝરણું થઈને મ્હાલું છું,
મન મુજબ ક્યાં વહેણ વાળું છું.

સૂર્ય જેવા સમયની સામે તો,
હું મને ગુલમહોર માનું છું.

જળકમળવત્ થવું નથી સહેલું,
ના કે હા નો પ્રભાવ ખાળું છું.

મૂળ મારી તરસના ઊંડા છે,
એટલે આ પરબ હું માંડું છું.

હાથ ખાલી છે નો નથી અફસોસ,
હું હૃદયને ભરેલું રાખું છું.


0 comments


Leave comment