82 - અથવા / લક્ષ્મી ડોબરિયા


કાં અધૂરી છોડ, અથવા...
વાત પૂરી જોડ, અથવા...

ત્યાંથી સમજણ થાય પગભર,
જ્યાંથી આવે મોડ, અથવા...

રીત ને રિવાજમાંથી,
કાઢ નોખા તોડ, અથવા...

નામ કે ઉપનામ માટે,
જિંદગીભર દોડ, અથવા...

હો સખત એ તારવી ને,
પળના મોતી ફોડ, અથવા...

હા, લગાવી લે હવે તું,
શૂન્ય માટે હોડ, અથવા...

જે નિયમનો ભાર લાગે,
બેધડક એ તોડ, અથવા... 


0 comments


Leave comment