89 - ઈશ્વર મળે / લક્ષ્મી ડોબરિયા


કાં લાગણી કાં વેદના ચડતર મળે,
અપવાદથી ખાતાવહી સરભર મળે.

તારી કને પથ્થર સરીખા પ્રશ્ન ને –
મારી કનેથી ફૂલ સમ ઉત્તર મળે.

મનમાં સતત ગુલમ્હોર ને જાપ્યા કરું,
નિશ્ચિંત છું, ફાગણ મળે, ચૈતર મળે.

લ્યો, સાર મારી જાતનો આ સાંપડ્યો,
દુઃખો સતત ને સુખ અહીં પળભર મળે.

અસ્તિત્વ મારું દંભ છે, સાબિત થયું,
દર્પણમાં આ ચહેરો જુદો નહિતર મળે ?

એથી ગઝલને નોતરું છું જીવથી,
કે, શબ્દરૂપે આખરે ઈશ્વર મળે. 


0 comments


Leave comment