૨૯ ધારદાર વીંઝું / રમણીક સોમેશ્વર


ધારદાર વીંઝું
કે મારમાર વીંઝું
કે હાથ હવે વીંઝું પવનના પ્રવાહમાં
હાથ વીંઝું ખમ્મા ખમ્મા ને વાહ વાહમાં

તૂટેલા તળિયાનું ખાલી તળાવ
અને ડૂબકી લે, ડૂબકી મેં મારી
પાણીની ભીનીછમ છાલકની ત્યારથી
ચાલે છે શોધ એકધારી
ને કંઠ પછી ભીંજાતો ચાંગળુંક આહમાં
હાથ વીંઝું ખમ્મા ખમ્મા ને વાહ વાહમાં

સૂકાભઠ ખેતરમાં ચાડિયાઓ રોપ્યા
ને કેટલીય વગડાવી થાળી
આવશે – ની ધારણાના પંખી ઉડાડવા
તૂટેલી ડાળખીઓ બાળી
ને બાવળના છાંયા પથરાઈ ગયા રાહમાં
હાથ વીંઝું પવનના પ્રવાહમાં