3 - ભ્રમનિરસજન્ય વેદનાની કથા / આસ્વાદ / મીરાં યાજ્ઞિકની ડાયરી / રમેશ ર. દવે


      બિન્દુ ભટ્ટની પ્રથમ લઘુનવલ ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’માં કથાની નાયિકા મીરાંનો, એની શિક્ષિકા સખી વૃંદા તથા પ્રતિબદ્ધ હિન્દી કવિ ઉજાસ અગસ્ત્ય સાથે વિશેષ રૂપે વીતેલો સમય, ભ્રમનિરસની વેદના સમેત આલેખાયો છે.

      ત્યક્તા-શિક્ષિકા માતાની એકની એક દીકરી મીરાં કોઢગ્રસ્ત છે. પણ શાળાકીય શિક્ષણનાં વર્ષો દરમ્યાન એની સાથે ભણનારાંઓ એને કાળી-ધોળી કહીને ખીજવતાં હતાં ત્યારે, પૂરે ચઢેલી નદીના ફસડાઈ પડતા કિનારાની જેમ જ તૂટી પડેલા એના આત્મવિશ્વાસને એની શિક્ષિકા વૃંદાએ સંકોરીને એને ટટ્ટાર ઊભા રહેતાં શીખવ્યું છે. કિશોરકાલીન મીરાંને એના સહપાઠીઓએ ‘કાળી-ધોળીનું કોરસ ગાન’ કરીને પજવી છે એવી જાણ થતાંની સાથે જ વૃંદાએ મીરાંના સહપાઠીઓને જ નહીં, ધ્રુસકે ધ્રુસકે રડતી મીરાંને પણ અવ્વલ દરજ્જાનો પાઠ આપ્યો છે :

      “હાજરી પતાવી બહેને (અર્થાત્ વૃંદાએ) બોર્ડ પર ગઈકાલના હોમવર્કની પંક્તિ લખી : ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.’ બહેને પૂછ્યું, ‘કોણ લખી લાવ્યું છે આ વિચારવિસ્તાર?’ માંડ દસ-પંદર આંગળીઓ ઊંચી થઇ. મેં ન કરી. ‘જે ન લખી લાવ્યાં હોય એ બેંચ ઉપર ઊભાં થઇ જાય.’ બાકીનાં પાસે બહેને વારાફરતી વંચાવ્યું. છેલ્લે મને કહે, ‘કેમ કાળી-ધોળી, તને તો નહીં જ આવડ્યું હોય ! તારી મમ્મી ટીચર એટલે લાગવગથી પહેલો નંબર આવે, કેમ ?’

      આ બહેન પણ ? સાંભળીને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. એક ઝાટકે ઊભી થઇ. પહેલી બેંચે મારી જગ્યાએ ગઈ અને નોટ કાઢી વાંચવા માંડ્યું. પૂરું કરી બહેન સામે જોયું, આ શું, બહેનની આંખમાં ઝળઝળિયાં ?
      ‘ચાલો બધાં નોટ ઉઘાડો અને આ મારી કાબરી લખાવે તે લખો. અને હા, અરુણ, નિકેતન અને પ્રદીપ તમારે ઊભાં ઊભાં લખવાનું હે, સમજ્યાં ?’

      “આજે ય એ ચહેરો બરાબર યાદ છે. સોનેરી ફ્રેમનાં ચશ્માંમાંથી ચમકતી ભીંજાયેલી મોટી આંખો, ચંપઈ ગૌર રંગ, તીણું નાક અને સ્મિત કરતા કંઇક માંસલ હોઠનો પડઘો ઝીલતા ગાલના ખાડા. એ દિવસ પછી મને ક્યારેય લાગ્યું નથી કે મારા શરીરે કોઢ છે અને વૃંદા મારી ટીચર છે.”

      અલબત્ત, મીરાંનું છેલ્લું વાક્ય અરધું સાચું છે. વૃંદા પેલા પ્રસંગ પછી તેની શિક્ષિકા ઉપરાંત મિત્ર જરૂર બની ગઈ છે પરંતુ મીરાં, એની કોઢ અંગેની સભાનતાથી સાવ પરવારી શકી નથી. એની ડાયરીમાં અવારનવાર સૂચિત સભાનતા નોંધાઈ છે. ડાયરીનાં પહેલા પાને જ થયેલી આ નોંધ જુઓ :
“અત્યારે રાતનો દોઢ થવા જાય છે. હમણાં જ ન્યૂ ઇયરની પાર્ટી વિખેરાઈ. હોસ્ટલના સેન્ટ્રલ હોલમાં ખાણી-પીણી, ગીત-સંગીત અને વિવિધ સ્પર્ધાઓની રમઝટ હતી. હું ક્યારેક કિનારે ફંગોળાઈ જતી તો કયારેક પ્રવાહમાં ખેંચાઈ જતી હતી.....
ઉજ્જવલાએ જબરદસ્તીથી મારું નામ વાળની સ્પર્ધામાં લખેલું. કહે ‘અલી મણિબહેન, જો તારા જેવા સુંદર વાળ હોય ને તો હું એક એક લટમાં દસને લપેટું....’
      તારી તો વાત થાય ? કહી હસી કાઢી એને, પરંતુ સ્પર્ધાનું ઇનામ લેતાં એક સૂનકાર ઘેરી વળ્યો મને... આ નિતંબપૂર કેશપાશમાં કોણ બંધાશે....? આ કાબરચીતરા સ્પર્શને ઓળંગીને કોણ પહોંચશે મારા સુધી ?
કોણ, જો હું પોકાર કરી ઊઠું, સાંભળશે મને.....?

      આ ઉપરાંત, વૃંદા સાથેના નિકટવર્તી સજાતીય સંબંધની ક્ષણોમાં મીરાં વૃંદાને પૂછવાનો સવાલ મનોમન આમ ઘડે-ભાંગે છે : ‘મને થયું પૂછું, ‘વૃંદા, મને સ્પર્શતાં, તને બે જુદાં પોતનો અનુભવ થાય છે ?’ એને બદલે મેં કહ્યું : ચિત્રો બ્લેક એન્ડ વ્હાઈટમાં બનાવવા પડશે.’

      તો, બસમાં બાજુની સીટ પર બેસનારા અજાણ્યા પેસેંજર તરફના પોતાના વલણ વિશે વિચારતી મીરાં આવો અન્તર્વિવાદ અનુભવે છે- ‘ઘણી વાર મને થાય છે કે હું મારા સફેદ ડાઘને ભૂલી જાઉં છું એ બરાબર છે? શું મારે યાદ રાખવું જોઈએ કે હું બધાથી અલગ છું, કંઇક ઊણી છું ?

      આજે સાંજે શહેરમાંથી પાછા વળતાં લાલ દરવાજાથી પંચાવનમાં બેઠી. મેં જોયું, કંડકટર ધીરે ધીરે ટિકિટ કાપતો હતો, એક એક પેસેન્જર આવે. મારી પાસેની ખાલી સીટ પાસે થોભે અને બીજી ખાલી સીટ દેખાતાં ચાલ્યો જાય. લગભગ કાયમ મારી બાજુની સીટ છેલ્લે ભરાય, ન છૂટકે કોઈ મારી બાજુમાં બેસે છે. અને કદાચ એટલે જ હું બાજુમાં બેસનારની નોંધ નહીં લઈને કંઇક વેર વાળ્યાનું સુખ લઉં છું.”

      ઉજાસ સાથેના દેહસંબંધની ક્ષણોમાં પણ મીરાં, ઉજાસની અભદ્ર અધીરાઈનાં કારણ તરીકે પોતાના સફેદ ડાઘને કોસે છે. મીરાંની કોઢ અંગેની આવી સભાનતા તથા તેમાંથી પ્રગટતી પ્રતિક્રિયા અત્યંત સહજ અને પૂરી પ્રતીતિકારકતા સહિત નિરુપાઈ છે એ જોતાં, કથાલેખિકાએ મીરાં એની સૂચિત ઊણપ પરત્વે ‘કેર ફ્રી’ છે એવું શા માટે નિરૂપ્યું હશે તે માત્ર અટકળનો વિષય બની રહે છે.

      હિન્દી ભાષા-સાહિત્યમાં ‘પ્રેમચન્દોત્તર હિન્દી ઉપન્યાસ મેં પ્રેમ એવમ્ વિવાહ કી સમસ્યાયેં’ વિષય પર પીએચ.ડી.નું સંશોધનકાર્ય કરતી મીરાં, ઉપર જોયું તેમ, એક તરફ કોઢનો અભિશાપ જીરવે છે તો, બીજી બાજુ, હરમાન હેસકૃત ‘સિદ્ધાર્થ’, હજારીપ્રસાદ દ્વિવેદીકૃત ‘અનામદાસ કા પોથા’ અને ‘બાણભટ્ટ કી આત્મકથા’, અજ્ઞેયકૃત ‘નદી કે દ્વીપ’, કૃષ્ણા સોબતીકૃત ‘સૂરજમુખી અંધેરે કે’, જગદમ્બાપ્રસાદ કૃત ‘મુરદાઘર’, જેવી નવલકથાઓ અને અન્ર્સ ટોલરકૃત નાટક ‘મેન એન્ડ માસ’ તથા રવીન્દ્રનાથની ચિત્રકલા, વાણી જયરામના કંઠે ગવાયેલાં મીરાંનાં પદો, ગાલિબના શેર તેમજ શિરીષફૂલની સુગન્ધના સહચારમાં એનો ચેતોવિસ્તાર સધાયો છે. જન્મજાત સાંપડેલી વેદનાએ એના ચિંતનને ઉજ્જવળ કર્યું છે. સૂચિત વેદના અને વાચન-મનનના પરિણામે કેળવાયેલી તેની સંપ્રજ્ઞતાનો પરિચય, તેને મળેલો કોઢનો વારસો પોતાની આગવી પેઢીને ન આપવા તે કેવો આકારો સંકલ્પ સેવે છે – તેમાંથી મળે છે. મીરાં સાથેની વાતોમાં વૃંદા એના બહુમૂલ્ય જીવનસ્વપ્નની વાત કરતાં કહે છે : ‘હું લગ્ન પૂર્વેના સ્પર્શને પણ ધિક્કારું છું. મીરાં, મારા જીવનનું એકમાત્ર સ્વપ્ન છે; એક સુંદર બાળકની મા બનવાનું.....’ (પૃ.૪૫) વૃંદાની આવી જીવનકામના ડાયરીમાં નોંધ્યા પછી નીચે મીરાંએ ઉમેર્યું છે : ‘અને મારું (જીવનસ્વપ્ન)? ના, હું મારા વર્તમાનને ક્યારેય કોઈનું ભવિષ્ય નહીં થવા દઉં !’ પોતે ભોગવેલા અભિશાપથી પછીની પેઢીને બચાવવા માટે માતૃત્વનાં સુખ-સંતોષનો ભોગ આપવાની સૂચિત મનોભૂમિકા નરી વેદનાનું જ વરદાન છે ને છતાં એ સૌ વાચકોને માટે સ્વીકાર્ય નીવડે છે. વાસ્તવમાં મીરાંનું વ્યક્તિત્વ-ચરિત્ર અત્યંત સંકુલ છે. એ જગત અને જાતને પૂરી સભાનતા અને ઊંડી નિસ્બતથી અનુભવે અને ચિંતવે છે. એમાં અનુભવ અને ચિંતનનો વ્યાપ એવો તો વિશાળ છે કે, સ્ત્રી-શરીરને ઢાંકી-ગોપવીને તેના તરફ દાખવવામાં આવતું સદીઓ પુરાણું અસામાન્ય-એલનોર્મલ-વલણ, માનવજાતે પ્રતિપળ વેઠવી પડતી એકલતા અને ઉદાસી, સૌંદર્યનાં સંતર્પક અનુભવ પછી પ્રગટતી અજ્ઞાત સાથીના તીવ્ર અભાવને ઘૂંટતી વેદના, અન્ય વ્યક્તિ પરત્વે થતા દોષારોપણની ક્ષણે જ આરંભાતી પોતાની જાત પરત્વેની નિર્મમ પણ નરી વિચારશીલ ઊલટતપાસ, તીવ્ર ભાવાવેગની અભિવ્યક્તિ માટે પંગુ સિદ્ધ થતાં શબ્દને જોઈતો સ્પર્શનો સંગાથ, સ્ત્રી-પુરુષ સંબંધોમાંની નિર્હેતુક નિર્દોષતા, આત્મીય સંબંધોમાં કાળક્રમે પ્રગટતી સ્વાતંત્ર્ય અને સ્વામિત્વવૃત્તિ વચ્ચેની રહેંસી નાખનારી ખેંચતાણ તેમજ લગ્નેતર જાતીય સંબંધો અભિવ્યક્તિ ધરાવે છે. ત્યકતા માતાએ વેઠેલી દીર્ઘકાલીન એકલતાના સાક્ષાત્કારને લીધે વહેલી વયે લાધેલા વિશિષ્ટ જીવન-અનુભવ અને એવા જ સમૃદ્ધ વાચનથી સમ્પન્ન બનેલી મીરાંને ખાલિસ સૌંદર્યની શોધ છે. ‘પ્રેમ જેવી, જીવનની સુંદર અભિવ્યક્તિ-સાધવા માટેય સલિલ અને રુચિએ છાનગપતિયાં કરવાં પડે છે-એ સ્થિતિ પરત્વે ‘માણસનું આ તે કેવું દુર્ભાગ્ય’- એવો આક્રોશ વ્યક્ત કર્યા પછી મીરાં નોંધે છે : અહં.... આપણને ખોડીબારાં ન ચાલે. આપણે તો સીધી વાડ જ ઠેકીએ’ પરંતુ માણસ નકશાઓ તો ભલેને કંઇ કંઇ કરે-ચીતરે; નિયતિનો સ્વભાવ એવો સરળ ક્યાં છે ? ખોડીબારાની સ્થિતિએ નકારીને, સીધી વાડ જ ઠેકાવાની પોતાની પ્રકૃતિની જાહેરાત કરતી મીરાં, માનવજીવનના ચાર ઉત્તમ પુરુષાર્થો પૈકી અતિ મહત્વપૂર્ણ પુરુષાર્થ ‘કામ’ પરત્વે જ, પુરુષ અને પ્રકૃતિનો પ્રાકૃતિક, સાહજિક, સર્વસ્વીકૃત સંયોગ ન સાંપડતાં, વૃંદા સાથે સજાતીય સંબંધ સ્વીકારે છે, માણે છે. આ સંદર્ભે પણ, વૃંદાના પક્ષે તો પોતે, વૃંદા જેને ખૂબ ચાહે છે પણ જેની સાથે લગ્નથી જોડાઈ નથી શકાતી એ હેડમાસ્તર કે.એમ.ની અવેજ છે – એવી વાસ્તવિકતાથી મીરાં અજાણ નથી. આ ભૂમિકાએ પણ એનો પ્રશ્ન : જો એમ જ હોય તો પછી મારો દેહ શા માટે એની લાગણીઓનો પડઘો પાડે છે ?’ આમ, વૃંદા સાથેના પોતાના સજાતીય સંબંધની વ્યાખ્યા કરીને એને સમજવા મથતી મીરાંને સરળતાથી કિનારો જડતો નથી : “તો શું હું અને વૃંદા.... હિન્દીની આધુનિક નવલકથાઓમાં, મેગેઝિન્સમાં વાંચ્યું છે, ઈસ્મત ચુગતાઈની ‘લિહાફ’ વાર્તા એક જમાનામાં બાન થઇ હતી. ખબર છે... સ્ત્રીઓની જેલમાં, હોસ્ટેલોમાં અપરિણીત અથવા પુરુષ સહવાસથી વંચિત સ્ત્રીઓમાં આ પ્રકારનાં સજાતીય સંબંધો વિકસે છે... એટલે કે હું અને વૃંદા લેસ્બિયન છીએ ? પરંતુ જે લાગણી મને વૃંદાના હોવા માત્રથી થાય છે એ ઉત્તેજના ઉજ્જવલાના અર્ધનગ્ન શરીરને સ્પર્શીને પણ નથી થતી. વર્ષો સુધી મમ્મીને વળગીને સૂતી છું, ક્યારેય આવું થયું નથી.

      તો શું એને કારણે મારું મન વૃંદા તરફ વળ્યું હશે ? પરંતુ મને તો ક્યારેય નથી લાગ્યું કે હું બીજાના કરતાં ઊણી છું... ક્યારેક તો પેલી ‘સ્ત્રી’ જાગતી હશે.....

      સંભવ છે આ અમારા સંબંધની પ્રગાઢતાનું જ એક ડાયમેન્શન હોય કે પછી ડાયવરઝન ? પરંતુ ઘણીવાર એવું કેમ બને છે કે તીવ્ર ભાવાવેગની અભિવ્યક્તિ માટે શબ્દને સ્પર્શનો સાથ જોઈએ છે ?

      વૃંદાએ એની જાતીયવૃત્તિ સંતોષવા માટે મીરાંનો ઉપભોગ એના પ્રિયતમ હેડમાસ્તર કે.એમ.ના અવેજ રૂપે જ કર્યો હતો એની ખાતરી વૃંદાના જીવનમાં ડૉ.અજિતના પ્રવેશ પછી, તે મીરાં સાથેના તેના શરીર-સંબંધથી જ નહીં મૈત્રી-સંબંધથી પણ પાછી ફરે છે- એ ઘટનાથી થાય છે. આ સ્થિતિમાં આઘાત પામેલી મીરાં, તેના અને વૃંદાના સંબંધની વ્યાખ્યા કરવાને બદલે વૃંદાની તેની તરફની બદલાયેલી વર્તણુક અને તેનાં સંભવિત કારણોની શોધમાં ગૂંચવાઈ રહે છે. વૃંદા માટેનો મીરાંનો આત્યંતિક પણ બુનિયાદી મનોભાવ દૃષ્ટવ્ય છે.

      “ગઈ સાતમીએ વૃંદા હોસ્ટેલમાં આવી હતી. છેલ્લા અઠવાડિયાથી ડાયરી અનિયમિત થઇ ગઈ છે. જાણે વૃંદા નથી તો, મારી ડાયરી પણ મૂંગી થઇ ગઈ છે ! વૃંદા, મારી ડાયરી જેટલી મારી નજીક, મોકળાશ સાથે, ગેરસમજના ભય વિના મન ખોલી શકાય એવી.”

      મીરાંનો વૃંદા માટેનો આ લગાવ લગીર વિશેષ બૌદ્ધિક છે. પણ એને માટેનો મીરાંનો માંસલ તલસાટ પણ લેખિકાએ તેની દાહકતા સહિત નિરુપ્યો છે. વૃંદાના વિયોગને સહન કરતી મીરાંની આ મન:સ્થિતિ જુઓ- ‘શું એને બે લાઈન લખવાનો ય સમય નહીં મળતો હોય ? બાર દિવસ થવા આવ્યા. હું એકેય વાર એને યાદ નહીં આવી હોઉં ? મને ભૂલી ગઈ ? જાણું છું, મારે આમ આકળી ન થવું જોઈએ પરંતુ ખરેખર જે જાય છે એની સામે તો એક નવું જ દૃશ્ય ઊઘડે છે... પાછળ રહેનાર પર ફરી વળે સ્મૃતિઓનાં જળ, ચારેકોરથી....

      મેં પીધા છે એની નાભિનાં ઊંડાણ... દૂર દૂર ખેંચી જતાં રોમરોમથી જકડી લેતાં, વીંટળાઈ વળતાં જંગલી વેલાની જેમ... મારતે ઘોડે દોડતા શિકારીની બેફામ ગતિમાં અમે... એક વંટોળ ઊઠતો, ડાળીઓ ગૂંથાઈ જતી, થડમાં ચંપાયે જતો લાવા, મહેકીને મસળાઈ જતાં ફૂલો... ભર વરસાદમાં ભીંજાતાં, ઝાપટાં ઝીલતાં પડ્યાં રહેતાં વળગીને એકબીજાને... ક્લાંત... ચૂમી લેતાં એકમેકના સ્તનો.... તળાવના તળિયેથી વારેવારે સપાટી પર આવતી માછલીઓ જેવાં અમે....

      વૃંદા સાથેનો મીરાંનો સંબંધ ભ્રાંતિ-નિભ્રાંતિની સરહદ પર વિકસતો રહ્યો છે. પણ એના અંતે મીરાં, આ પ્રશ્ન : ‘શું હું ય એને (વૃંદાને) કોઈના અભાવમાં સ્વીકારું છું ?’ –વડે પોતાનો કિનારે પહોંચી જાય છે. અહિન્દીભાષી નવલેખકોના શિબિર દરમ્યાન મીરાંને પ્રતિબદ્ધ કવિ ઉજાસ-અગસ્ત્યનો નિકટવર્તી પરિચય થાય છે. કવિ ઉજાસમાં એ વૃંદાનો વિકલ્પ પામે છે. વૃંદા-વિહીન એવા મીરાંના ચિત્ત પર ઉજાસ અકલ્પ્ય ગતિથી છવાઈ જાય છે. ત્યારે મીરાંએ પૂર્વે પોતાને પૂછેલા કેટલાક અનુત્તરિત રહેલા સવાલોનાં જવાબો મળી આવે છે.

      ઉજાસના મીરાં ઉપરના પ્રભાવ સંદર્ભે, એ આવ્યા, મીરાંએ એમને જોયાં અને મીરાં જિતાઈ ગઈ- એવી સ્થિતિ આલેખાઈ છે. સૂચિત પ્રક્રિયા કથામાં એવી તો વેગવંત નિરુપાઈ છે કે વાચક, કથાલેખિકા દ્વારા આલેખાયેલી મીરાંની બૌદ્ધિક-પ્રતિભા વિશે સાશંક થઇ રહે છે. મીરાં ઉજાસથી એટલી માત્રામાં પ્રભાવિત થઇ છે કે પૂર્વે, ઉજાસની કાવ્યસૃજન-પ્રક્રિયાને હોમર કથિત પ્રેરણાના સિદ્ધાન્તની સરાણે ચડાવીને કાવ્યસૃજન સંદર્ભે દૈવી અથવા કાર્લમાર્ક્સ જેવા કોઈ પ્રાજ્ઞપુરુષની પ્રેરણા અનિવાર્ય બને? – એવો પ્રશ્ન પૂછીને એના ઉત્તરમાં ‘ક્યારેક તો કશું અનાયાસ, અચાનક, પહેલા વરસાદ પછી ઊગતા ઘાસ જેવું ઊગી નીકળતું નહીં હોય ?’ એવો પ્રતિપ્રશ્ન પૂછીને પોતાની સૌંદર્ય-ખોજની મથામણ અને વ્યાકુળતાનો પરિચય આપનારી મીરાં ક્રમશ: લુપ્ત થઇ જઈને નરી સમર્પિત કન્યા બની રહી છે. એ કથાંશ વાંચતી વેળા ચિત્તે એવો સવાલ ઉદભવે છે કે મીરાંની સ્થિતિ પણ, હજારીપ્રસાદનાં અનામદાસે જીવનમાં પહેલી વાર, પ્રથમ સ્ત્રીનાં દર્શન કર્યા હતાં-એવી જ થઇ છે કે શું ?

      અલબત્ત, મીરાંના સૂચિત પરિવર્તન સંદર્ભે તેની અપ્રતીતિકરતા અંગે એક સમાધાન એ હાથવગું રહે છે કે પ્રેમાનુભૂતિની અવસ્થામાં આ વિશ્વની સઘળી અસંભવિતતાઓ સંભવિત બની રહે છે ! પ્રેમ એ જીવનનું એવું સનાતન ઋત છે જે મનુષ્યના અકલ્પ્ય ગોપિત રૂપને ઉજાગર કરે છે ! છતાં, ઉજાસ પરત્વેના મીરાંના પ્રેમસમર્પણની ઘટના, મીરાંની તત્કાલીન મુગ્ધતા અને પૂર્વ નિરુપિત બૌદ્ધિકતા માટેના સ્વીકાર-નકારની ભૂમિકાએ વાચકને દ્વાપરાવસ્થામાં મૂકી દે છે, જેમાં તે પ્રતીતિવિરહ થાકી રસવિઘ્ન અનુભવે છે.

      મીરાંના વૃંદા તથા ઉજાસ સાથેના પ્રેમ સંબંધો તેની ભ્રાંતિની નીપજ છે. ઉજાસ સાથેના સંબંધમાં ગળાડૂબ મીરાં એમ જ માને છે કે ઉજાસની પ્રાપ્તિ એ એની અવિરત સૌંદર્ય શોધનું પૂર્ણવિરામ છે. પરંતુ મીરાંની જાગૃત, અર્ધજાગૃત ચેતના પર નખશિખ છવાઈ ગયેલા કવિ ઉજાસ સાથેના મીરાંના દેહસંબંધની ઘટનાથી મીરાંની પ્રેમાનૂભૂતિ સર્વથા રોંદાઈ જાય છે અને કથાના અંતે વાચકને કને ભ્રમનિરસિત નાયિકાની વેદના માત્ર બચે છે !

      મીરાંની આ ડાયરી તત્વત: એની કરુણપર્યવસાયી કથા છે. પણ આ કરુણની નિષ્પત્તિનું કારણ, રસની પરિભાષા યોજીને કહીએ તો તેનો ઉદ્દીપન અને આલંબન વિભાવ મીરાં પોતે જ બને છે. તેણે જેને પ્રેમ જાણીને સમર્પણ કર્યું એ આખરે ભોગનું વરવું રૂપ નીવડ્યું !
* * * * * * * * * * *

      ડાયરી લેખન-શૈલીના લીધે કથાનો મેદ નિવારી શકાયો છે અથવા કહીએ કે કથા લેખિકાનો, કેટલું કેનવાસ કોરું રાખવું એ અંગેનો વિવેક ખપ લાગ્યો છે. વળી લઘુનવલની અનિવાર્ય લાક્ષણિકતા : એક પાત્રકેન્દ્રી નિરુપણે ય ડાયરી-શૈલીથી કસાવદાર નીવડ્યું છે. આ પૂર્વે ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ભાગ.૨, ‘આકાર’, ‘શ્રાવણ રાતે’, ‘સોનલછાંય’ જેવી ગુજરાતી નવલકથાઓમાં ડાયરી શૈલીનો ઉપયોગ થયો છે. પરંતુ તેનો મહત્તમ લાભ લેવાયો નથી એટલું જ નહીં ડાયરી લેખનશૈલીની અનિવાર્યતા પણ સિદ્ધ થઇ નથી.

      ડાયરીમાં થતી ઘટના, પ્રસંગ કે સ્વપ્નની સિલસિલાવાર નોંધ સંદર્ભે, પૂર્વે ‘ઝેર તો પીધાં...’માં સત્યકામની ડાયરીને દૃષ્ટાંત ગણીને, આયુષ્યના મધ્યભાગ જીવતો નાયક વર્ષો પૂર્વે ઘટેલી ઘટનાનાં સ્થળ, સમય, ઋતુ અને જે તે ઘટનામાં સંકળાનાર પાત્રો વિશેની વિગતો તેમજ તેમના સંવાદોની સુવ્યવસ્થિત નોંધ કરે ત્યારે તે ડાયરી લેખકની યાદદાસ્ત કેવી તો વિરલ અને સૂક્ષ્મ-તીક્ષ્ણ હશે? એવો સવાલ ઉદભવેલો ! વળી સત્યકામ ડાયરીલેખન કરતી વેળા તો અંધ છે તેથી આટલી લાંબી સુવ્યવસ્થિત ડાયરી એ શી રીતે લખી શક્યો હશે એ સવાલ પણ રહે. આટલો આડસંદર્ભ એ માટે નોંધ્યો કે વિવેચ્ય લઘુનવલમાં ડાયરીલેખન પ્રતિદિન તારીખવાર થયું છે, તેથી બનેલા બનાવોની નોંધ એ જ દિવસે દિવસાંતે થઇ હોઈને નિરુપિત વિગતોની ચોકસાઈ વિશે કશો પ્રશ્ન રહેતો નથી.

      આ કૃતિનું સૌથી મનોહારી આકર્ષણ છે તેનું પ્રૌઢીપ્રાપ્ત છતાં સતત તાજગીનો અનુભવ કરાવતું ગદ્ય. કથન, વર્ણન અને પાત્રગત ભાષાપ્રયોજનો જેવા વિવિધ ઉપયોગમાં પ્રયુક્ત કથાભાષા તેના વિભિન્ન રૂપો, આવશ્યકતા અનુસાર લવચિકતા પામી છે. કથાનનું ગદ્ય બહુધા ટૂંકા વાક્યોની ચાલે ચાલતું સાદગીભર્યું બની રહ્યું છે તો, ક્વચિત્ ચારુક્તિ નીવડવાની ક્ષમતા પણ દાખવે છે. તો, સ્થળ અને સમયના અનુભવોને લેખિકાએ પૂરી નમણાશ સાથે આલેખ્યા છે. સાબરમતી આશ્રમમાં કથાનાયિકાએ માણેલી આ સવારનું આલેખન જુઓ :

      “પહેલીવાર સવારનાં પહોરમાં ઉમાશંકર જોશીની ‘પંખીલોક’ કવિતા જોઈ-સાંભળી. કદાચ ગાંધીજીનો સ્પર્શ સાચવીને ઊભેલાં વર્ષો જૂનાં આસોપાલવનાં ઘેઘૂર વૃક્ષો, અને માથે પંખીઓની કોન્સર્ટ ! એક ક્ષણ તો લાગ્યું કે, આ વૃક્ષોનો જ સ્વર છે, અનેક છંદ-લયમાં પ્રગટતો !”

      ગુલાબી સાડી પહેરીને પોતાના ગૌરગુલાબી વર્ણે શોભતાં મમ્મીને જોતાં અનુભવેલાં મનોભાવની આ વિશિષ્ટ અભિવ્યક્તિ- ‘લાગ્યું કે મીઠા કૂણા તડકામાં ઊભી છે –મમ્મી, એમનો ગૌરગુલાબી વર્ણ, ગુલાબી રંગની સાડી અને તેના જોવા માત્રથી નાયિકાને સાંપડતી મીઠા કૂણા તડકામાં ઊભા હોવાની અનુભૂતિ વચ્ચે કશો તાર્કિક સંબંધ રચતી નથી ને છતાં એ એટલી વિરલ અને સબળ છે કે નાયિકાએ અનુભવેલા મનોભાવ વિશે વાચકને અપ્રતીતિકરતાનો અનુભવ પણ થવા દેતી નથી. વૃંદાએ, પેરટગ્રીન બેકગ્રાઉન્ડ અને તેની ઉપર હળદર-પીળા રંગની બોર્ડરવાળી સાડી પહેરીને બેઠેલી મીરાંનું જે વર્ણન કર્યું છે તે મોહક છે.

      “યાદ છે તને, આપણે એક વખત સ્કૂલમાં રાજસ્થાનના પ્રવાસે ગયેલાં, ત્યારે રસ્તામાં કેટલાં બધાં રાઈનાં ખેતર જોયેલાં ? અત્યારે તું અદ્દલ જેવી જ લાગે છે.... આથમતા સૂર્યના રેશમી અજવાળામાં ડોલતું રાઈનું ખેતર.....”

      સૂચિત તુલનાએ મીરાંના મનમાં પ્રગટાવેલો પ્રતિભાવ પણ નોંધવા જેવો છે :
“એ બોલતી હતી અને એના હોઠનાં હલનચલન અને અવાજના કંપનથી મારાં ખભા, કર્ણમૂલ, ગરદન અને ગાલની ભીતર પડેલું કંઇક સળવળતું હતું. કોઈ રાખ વળેલા અંગારાને ફૂંકતું હતું.”
      શિરીષ-ફૂલ સાથેનો મીરાંનો નાતો પણ ઉછીનું લઈને વાપરવા લોભાઈ જવાય એવા ઇન્દ્રિય વ્યત્યયથી આલેખાયો છે :
“આ દિવસોમાં શિરીષની ડાળીઓ, મારી બારી અને આગાશી પર ઝૂલતી આવે છે હાથમાં મઘમઘતા દીવડા લઈને !”
      અહીં શિરીષ-ફૂલોને ‘મઘમઘતા દીવડા’ દ્વારા જે એક અદકું પરિમાણ સાંપડે છે તે શ્લાઘ્ય છે. અહીં નોંધ્યા એ સિવાય પણ, ઊંઘનું થાગડથીગડ આવવું, ઢોળાવ પરથી દળતી ગાયોનું, ખોઈમાંથી વેરાયેલા જુવારના દાણા જેવું દેખાવું તેમજ ‘છજા પર બેઠેલા કબૂતર જેવી રાખોડી બપોરે, અને હરાયા ઢોળે ભેળવેલા ખેતર જેવું માથું- એવા કલ્પનો છે જે કથાલેખિકાની આ કૃતિ ભલે પ્રથમ પ્રયાસ હોય, કથાભાષા સાથેની એમની નિસ્બત સઘન છે એની સાહેદી પૂરે છે.


0 comments


Leave comment