4 - મીરાં યાજ્ઞિકની ડાયરી વિશે / આસ્વાદ / લાભશંકર ઠાકર


      ઘણાં સમયથી/વર્ષોથી ગુજરાતી ભાષામાં લખાયેલી નવલકથા વાંચી શક્યો નથી. હમણાં બે ગુજરાતી નવલકથાઓ વાંચવાની તક મળી અને વાંચી ગયો. બન્ને ગમી ગઈ તે મારા આનંદની, અંગત વાત છે. કિશોર જાદવની ૧૯૯૩માં જ તાજેતરમાં પ્રકટ થયેલી નવી નવલકથા ‘આતશ’ વિશે મેં મારા આનંદનાં કારણો રજૂ કરતો લેખ લખ્યો છે. બીજી નવલકથા તે ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ (લેખિકા બિન્દુ ભટ્ટ). ૧૯૯૨માં પ્રકાશિત થયેલી આ લઘુ નવલ થોડા દિવાસો પહેલાં જ વાંચી. નવલકથા ગમી ગઈ છે તો મારા પ્રતિભાવની નોંધ લખતાં મને આનંદ થશે. ન ગમી ગઈ હોય તેવી કૃતિ વિશે લખવામાં મને મઝા નથી આવતી. ગમી ગયેલી કલાકૃતિ વિશે લખવાના આનંદ તે આ આમ સરકી રહેલી કલમનું પ્રયોજન –

      તરત ધ્યાન ખેંચે છે આ નવલકથાનું Form તે ડાયરીમાં સ્વરૂપમાં છે. મીરાં યાજ્ઞિકની તે ડાયરી છે. ૩૧મી ડિસેમ્બરથી તે ડાયરીનાં પૃષ્ઠો શરૂ થાય છે તે ૩૦ ડિસેમ્બરે પૂરાં થાય છે. એક વર્ષના સમયપટના તે પૃષ્ઠો છે. તેમાં એક–બે–ત્રણ જેટલાં પાનાં ભરાયાં હોય તેવું/તેટલું લખાણ છે; તો એક–બે–ત્રણ વાક્યો જ લખાયાં હોય તેવાં પૃષ્ઠો પણ છે. ૩૧મી જાન્યુઆરી અને ૧લી ફેબ્રુઆરીનાં પૃષ્ઠો એવાં છે જેમાં ‘વૃંદા નથી’ એવું બે શબ્દનું વાક્ય જ છે. ડાયરીનું આ Form અનિવાર્ય છે. કેમ કે આ કથા/કથનમાં કોઈ ‘શ્રોતા’ નથી. મીરાંની અંગત ચેતનાની આ પૃષ્ઠોમાં અભિવ્યક્તિ છે. તેના સિવાય તે પૃષ્ઠોનું કોઈ ‘વાચક’ પણ નથી. તેના અંગત અનુભવો અને અનુભવો તે કોઈ બીજાની પાસે વ્યક્ત કરી શકે તેવું તેનું વ્યક્તિત્વ નથી. જે અનુભવગત ભાવ–પ્રતિભાવ છે કેવલ તેનું મનોગત છે અને તેની અંગત વાસરિકા સિવાય તેની અભિવ્યક્તિ શક્ય નથી. આમ ડાયરીનું સ્વરૂપ આ લઘુ નવલનું અનિવાર્ય સ્વરૂપ બની રહે છે.

      આ લઘુનવલ તો છે જ. પણ ‘લાઘવ’ તેની વિશેષતા છે. શક્ય તેટલા ઓછા શબ્દોમાં અહીં ઘટના/ભાવ–પ્રતિભાવનું નિરુપણ છે. નાયિકા ડાયરીમાં જાણે સંકેત પૂરતું થોડુંક ટપકાવે છે. પણ તે અલ્પ શબ્દો ઘણું બધું ઝંકૃત કરે છે. બે પૃષ્ઠો પર ‘વૃંદા નથી’ એવું વાક્ય લખાયું છે તે નાયિકાની વિરહની અને એકલતાની લાગણી ઝંકૃત કરે છે. મીરાં યાજ્ઞિકની ડાયરીની ભાષા સાહિત્યિક છે. કહો કે કાવ્યાત્મક છે. મીરાં સાહિત્યની વિદ્યાર્થીની છે; અને કલા સાહિત્યમાં તેની વિશેષ અભિરુચિ છે. તેથી તેની ભાષા કાવ્યાત્મક રૂપ ધારણ કરે છે તે સ્વાભાવિક છે; વળી આ બધું લખાણ ભલે મીરાંનું ‘મનોગત’ છે; પણ તે ‘લખાણ છે’, વાડમય સ્વરૂપ છે. તેથી તે સી–ધું મનોગત નથી. ડાયરીનાં પૃષ્ઠો પર ભાષામાં રૂપાન્તર પામતું નથી. ડાયરીનાં પૃષ્ઠો પર ભાષામાં રૂપાન્તર પામતું મનોગત છે. આ રૂપાન્તરની પ્રક્રિયામાં નાયિકા ‘રાચે’ છે એમ પણ કહેવાય. અર્થાત્ આ તેના એકાંતની ‘રચનાઓ’ છે. ભલે તેમાં તેના અનુભવો પ્રતિબિંબાયા છે પણ તે ભાષામાં ઝિલાયેલાં પ્રતિબિંબો છે. તરતના અનુભવોની મનોમય ક્ષણ ઉપરાંત તેમાં લખતી વખતની મનોમય ક્ષણો પણ પ્રવેશે અને આ બધી ક્ષણો ‘આકાર’ રચવાનો આનંદ આપે. મીરાં કલા/સાહિત્યમાં અભિરુચિ ધરાવે છે એમ કહેવા ઉપરાંત તેનામાં સિસૃક્ષા/વાણીનાં રૂપો રચવાની સિસૃક્ષા પણ છે જ. નાયિકાની સર્જનવૃત્તિ આ ડાયરીના અંગત ભાવોને બિનંગત માનવીય ભાવોની સર્જનાત્મક પ્રક્રિયામાં મૂકે છે તે આ લઘુનવલના વિશિષ્ઠ Formની ધ્યાનમાં લેવા જેવી સૂક્ષ્મ વિગત છે. ૩૧ ડિસેમ્બરનું ડાયરીનું સર્વ પ્રથમ પૃષ્ઠ આરંભાય છે નિરંજન ભગતની ગીતપંક્તિથી : ‘તારી લે લટને લહેરવું ગમે/ઘેલા કો હૈયાને ઘેરવું ગમે.’ કેશ સ્પર્ધાનું પહેલું ઇનામ લેતાં ‘એક સૂનકાર ઘેરી વળ્યો મને... આ નિતંબપૂર કેશપાશમાં કોણ બાંધશે...? આ કાબરચીતરી સ્પર્શને ઓળંગીને કોણ પહોંચશે મારા સુધી ?’ એમ નોંધતી નાયિકા તે તારીખની ડાયરીની નોંધમાં અંતે લખે છે : ‘કોણ, જો હું પોકાર કરી ઊઠું, સાંભળશે મને...’ ૩૦ ડિસેમ્બરના ડાયરીના અંતિમ પૃષ્ઠમાં નિરુપાયેલી ઘટના પ્રમાણે જેના થકી કોઈ બંધાઈ જાય તે નિતંબપૂર કેશ હવે રહ્યા નથી. અંતિમ પૃષ્ઠ ‘નાટ્યાત્મક’ છે. તે પૃષ્ઠની રચના નાટ્યાત્મક છે. અથવા કહો કે ‘સિનેમેટિક’ છે. ખટ્ ખટ્ મમ્મીનો હીંચકો ચાલે છે તેમાં ‘સાઉન્ડ’ છે. બીજા Sound પણ છે : ‘પાછલી ગલીમાં કામાતુર ભૂંડનો હાંફતો... દોડતો ઘુરકાટ, જડબાંનો અવાજ... અને એનાથી બચવા મથતી ચિચિયારીઓ...’

      અંતિમ પૃષ્ઠ ડ્રામેટિક છે. સિનેમેટિક છે, પોએટિક છે. ઊંઘની ગોળી લઈને સૂતી હતી નાયિકા જાગી ગઈ છે. મમ્મી જાગે છે. ખટ્ ખટ્ અવાજ આવે છે, હીંચકાનો. નાઈટ લેમ્પના મેલખાયા અજવાળામાં સામેના ડ્રેસિંગ ટેબલનો અરીસો પણ – નાયિકા નોંધે છે : ‘મને ઓળખવાની ના પડે છે. ડાયરીના અંતિમ પૃષ્ઠનું અંતિમ લખાણ : ‘સતત ગૂંગળાઉં છું. હવે તો જાણે દિશાઓએ પણ મારાથી મોં ફેરવી લીધું છે.’

      નાટ્યાત્મક, કાવ્યાત્મક, સિનેમેટિક નિરુપણ તે ડાયરીમાં કલમ સરકાવી રહેલી નાયિકાની ‘સિસૃક્ષા’ની ક્ષણો છે. આ ક્ષણો એક વ્યક્તિના અંગતને બિનંગત સર્જનપ્રક્રિયાની સામગ્રીમાં રૂપાન્તર કરે તે આ રચનાની રિપીટ કરીને કહું કે ‘કેસ’માં ડાયરીનાં પૃષ્ઠો સર્જનાર નાયિકા તે સમગ્ર સામગ્રીનું ઉપાદાન ઘટક છે, રચનાપ્રક્રિયા કરતું અસમવાયી કારણ છે અને નિમિત્ત કારણ પણ છે. આવી સંકુલતા આ ‘કૃતિ’ (રચનાકાર્ય)ની ખાસ વિશેષતા છે

      લખ્યા કરીશ તો વધુ ને વધુ કાંતીશ સૂક્ષ્મ તારો –

      અહીં સજાતીય સંબંધના પ્રસંગો છે, અને વિજાતીય સંબંધની, આઘાતક ઘટના છે. પણ આવી સામગ્રી તે આ કૃતિની ‘વિશેષતા’ છે અને સમીક્ષા કરતી વખતે ‘ખાસ’ ધ્યાનમાં લેવા જેવી બાબત તે તેવો મારો અભિપ્રાય નથી. નાયિકાના વૃંદા સાથેના સજાતીય સંબંધને કારણ તે Lesbian છે તેમ કહેવું યોગ્ય નથી. ઉજાસ તરફ પણ નાયિકા આકર્ષાય છે. She is sexually attracted to both woman and man, તેથી તે bisexual છે. તે heterosexual પણ નથી. નવલકથામાં જે છે તેનું જેવું છે તેવું – યથાર્થ – નિરૂપણ છે તે મહત્વની બાબત છે પણ મારે મન તેથીય મહત્વની બાબત છે काम સાથે ચીટકેલી સંસ્કૃતિ. અર્થાત્ માનવીય મૂલ્યબોધ. મીરાં એક સંવેદનશીલ યુવતી છે. તેણે આત્મસાત્ કરેલો સંસ્કારબોધ સજાતીય કે વિજાતીય રિલેશન સાથે ચોંટેલ છે. આ કૃતિમાં મીરાંનો આઘાત છે તે આત્મસાત્ બની ગયેલા સંસ્કારબોધની છાલ ઉઝરડા સાથે ઊ-ખ-ડી જવાનો આઘાત છે. કૃતિના અંત લગી તેને આ આઘાતની ‘કળ’ વળી નથી. બલકે એ આઘાતની પ્રતિક્રિયા રૂપે તેણે નિતંબપૂર કેશને કાપી નાખ્યા છે. અંત નાટ્યાત્મક છે. પણ તે ક્ષણ થીજી ગયેલી ક્ષણ નથી. હીંચકો અટકશે પણ મીરાંનો ચેતનાપ્રવાહ/સંવિદધારા અટકશે નહીં. ગમે તેટલી આઘાતક ઘટના હોવા છતાં કામ સાથે સંપૃક્ત, અભિન્ન ભાસતો મૂલ્યબોધ છિન્ન થવાની ઘટના તે નાયિકાની સંપ્રાપ્તિ છે, તેથી ‘સત્ય’ છે, ભલે દિશાઓએ મોં ફેરવી લીધું છે તેમ નાયિકાને લાગે. હવે પછીની ક્ષણો દિગ્દર્શનની, સત્યદર્શનની હશે.


0 comments


Leave comment