5 - સંવેદનાની તીક્ષ્ણ ધાર પર ચાલતી મીરાં યાજ્ઞિકની ડાયરી/ આસ્વાદ / ગીતા નાયક


      ભર ઉનાળે, ખરા બપોરે ચાલ્યા જતા હોઈએ ને એકાએક નજર ઊંચી જાય, માથે સોનું પાથરતો ગરમાળો દેખાય ને થંભી જવાય એવો સુખદ અનુભવ ‘મીરાં યાજ્ઞિકની ડાયરીએ’ કરાવ્યો.

      આપણાં નવલકથા સાહિત્યમાં ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’નો વિષય નવો છે. સ્ત્રી–સ્ત્રી વચ્ચેનો, સજાતીયસંબંધ, સ્ત્રીલેખિકા વડે પ્રગલ્ભતાથી આલેખ પામે એ અભિવ્યક્તિ પણ નવી છે. આ પૂર્વેની નિતાંત આકારમાં બદ્ધ આધુનિક આપણી નવલ–લઘુનવલમાં આંત: સત્વનું બળ ખૂટતું હતું. આ લઘુનવલમાં એ આંત: સત્વનું પોતીકું વિશ્વ રસી પ્રગટ્યું છે – આ ઘટના નવીનતર છે.

      ડાયરીનાં પાને પાને મીરાં સાથે રહ્યા વિના આપણો છૂટકો નહીં. મીરાં, કેવી ? તો કે ચંચલ અસ્ખલિત વહેતા ઝરણાં જેવી, ચપળ ગતિએ ઉડાઉડ કરતી કાબરચીતરી ‘પંખિણી, સ્ત્રીત્વના આંતર સૌંદર્યનાં બહુવિધ રૂપને પામેલી નારી. સ્વની શોધમાં પોતાને માણતી, પ્રમાણતી બૌદ્ધિક, મનથી તંદુરસ્ત મીરાં, એનાં વ્યક્તિત્વની ગતિશીલતા મુખરિત છે. એ પ્રકૃતિનાં નાજુક રૂપ કે કરાલ સૌંદર્યને એકી વખતે સંવેદી શકે છે. પંખી, પાણી ને પવન એને તરબતર કરે છે. સંગીત, ચિત્ર કે કલાનાં સ્વરૂપોને પૂરી તલ્લીનતાથી ઊંડી સમજ સાથે આત્મસાત્ કરે છે. આર્ટ ગેલેરીમાં કે લાઈબ્રેરીમાં કે સેમિનારોમાં, કવિ કે કવિતાના સંગમાં હોવું એનાં વ્યક્તિત્વનું અભિન્ન અંગ છે. છતાં કોઢ નામના રાક્ષસે એકદંડિયો મહેલમાં જેર કરી લીધેલી કુંવરી જેવી મીરાં યાજ્ઞિકની અવસ્થા છે. કોઢગ્રસ્ત દેહથી જરાયે ચલિત ન થતી. કુંઠિત મનોદશાને પણ અતિક્રમી જતી મીરાં ચાહવા જેવી છે. વૃંદા એની પરમ સખી, મીરાંના નગ્ન દેહને જોઈને કહે છે, “જો હું ચિત્રકાર હોત તો તારા ઢગલાબંધ ન્યુડઝ બનાવત. વોટ એ ફેન્ટાસ્ટીક ફીગર ! “અહીં મીરાંનો મર્મસ્પર્શી ઉત્તર સાંભળવા જેવો છે. એ કહે છે, “ચિત્રો બ્લેક એન્ડ વ્હાઈટમાં બનાવવા પડશે.” આવા ઉત્તરમાં સ્વભાવની સરળતા, સચ્ચાઈનો વાસ્તવિકતાનો સબળ સ્વીકાર મીરાંની ગરિમા વધારી દે છે. સફેદ ડાઘને ‘કોઢ’ કહી શકે છે. જાતને પૂછી લે છે. આ કોઢને ભૂલીને જીવું છું એમાં કાંઈ ખોયું તો નથી ને ! આમ મરણપર્યંત ન છૂટનારી વેદના એણે મીરાંના ઝેરની જેમ જીરવી જાણી છે. મીરાંની આંતરચેતનાનો ત્યાં વિજય છે.

      મીરાં તન–મનથી પ્રથમ વૃંદા સાથે અને ત્યારબાદ માર્ક્સવાદી કવિ ઉજાસ સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધે છે. આ બન્ને સંબંધોમાં લાગણીની ભીનાશ શોધતી મીરાં છેતરાય છે. અહેવાલના પામે છે. અપમાનજનક અવસ્થમાં એ “હવે તો દિશાઓએ પણ મારાથી મોં ફેરવી લીધું છે.” એવા ત્રિભેટે આવી ઊભી છે. હવે તો પોતાની ગૂંગળામણનો જ સાથ હોય એવા કરુણથી છલકાતી સંવેદના આપણી ભીતર બધું ઉપરતળે કરી નાખે છે. મીરાંએ વૃંદા અને ઉજાસને સમજવામાં જે થાપ ખાધી તે તીવ્રતમ સંવેદનશીલતાના પાયા પર જ ઉભય તરફથી છેદાયેલી મીરાં એ છેહને સમજે છે ને એ સ્વીકારતાં લોહીલુહાણ પણ થાય છે. ઉપભોગી છલના, રિક્તતાથી જન્મતી વેદના એના પાલવમાં ઝિલાય છે. લાગણીની કરવતથી વહેરતી મીરાં ચુપચાપ ઊભી રહી જાય છે. અસ્તિત્વની પિછાણનો, સ્વપરિચયનો ઉઘાડ આમ વેદનાની ભૂમિમાં રોપાય છે. મીરાં તરસી રહેવા જન્મી છે. “બધું જ બળીને રાખ થઈ જશે ચિતામાં... સિવાય કે મારા હોઠ ને આ ટેરવાં. આ તરસની ક્યાંય મુક્તિ નથી.” આકરી તાવણીમાંથી પસાર થતી આ મીરાંમાં રસ પડે છે.

      વૃંદા, પહેલાં તો મીરાંની શિક્ષિકા. પણ ઉંમરનો નજીવો ફરક ઓળંગી વૃંદા સખીરૂપે આવી મળે છે. માતા પછીની એ બીજી વ્યક્તિ, જેનાં સાન્નિધ્યમાં મીરાંનો આત્મવિશ્વાસ દઢાયો છે. ધીરે ધીરે બન્નેની લાગણી એકબીજા માટે ઉત્કટ, પ્રબળ બને છે. શરીરનું સુખ કામાવેગના અણધાર્યાં તોફનનો રોમાંચ, ઝીલવાનું સહુ પ્રથમ મીરાં, વૃંદા સાથે અનુભવે છે. મીરાંના શબ્દોમાં : “હૂંફાળા પાણીનો સ્પર્શ, એક તીવ્ર રોમાંચ અને અંગેઅંગ છલકાતું સુખ... આખા ય શરીરને વાચા ફૂટી હતી. અને એના એકેએક અક્ષરને હું ઉકેલતી હતી. તેના વળાંક અને ઢોળાવ, ચઢાણ અને ઊંડાણના અવનવા સૂર સાંભળતા હતા.” વૃંદાને ચાહતાં ચાહતાં મીરાંને પછી પોતાનું શરીર યે ચાહવા જેવું લાગે છે.

      મીરાં આવા અત્યંત ઋજુ નાજુક દિવસોમાં, શરીરનો ગુલમ્હોરી આસવ પીવે ત્યાં સુધી બીજીવાત કરી લઈએ, આગળ લખ્યું છે એમ ગુજરાતી ભાષામાં, બે સ્ત્રી વચ્ચેના ઉત્કટ અનુરાગયુક્ત લેસબીયન સંબંધનું સૌંદર્ય પૂરેપૂરા સંયમથી અહીં રજૂ થયું છે. સ્ત્રીલેખિકાને ગૌરવ બક્ષે એવું ઉત્કટ નિરુપણ થયું છે. લેખિકા અન્ય કારણોસર આ લઘુનવલ માટે ધન્યવાદને પાત્ર તો છે જ, એમાં આ વિષયની પસંદગી પણ એક મહત્વનું કારણ બને છે. વર્ષો પહેલાં મને અઈઝોડોરા ડંકનની આત્મકથાઓ તીવ્રતાથી વશ કરી હતી. ઉત્તમ નૃત્યાંગનાની એ કથની હતી. નૃત્યુ જેનો પ્રાણ એવી નૃત્યસામ્રાજ્ઞિની, માતૃત્વની પ્રાપ્તિ વખતે નૃત્ય છોડવું પડે એવી અનિવાર્ય સંઘર્ષની પરિસ્થિતિમાં મુકાય છે. એ વખતનો પ્રચંડ સંઘર્ષ સચ્ચાઈથી નિરુપાયેલો અનુભવ્યો હતો. સમુદ્રને ગુરુ બનાવી, એનાં લય–તાલને નાદે દીક્ષા પામેલી નૃત્યાંગના એકાએક કાંઠે ફંગોળાયેલી તરફડે એવો તીવ્ર માર્મિક અનુભવ માણ્યો હતો. મીરાંએ એ ફરી યાદ કરાવ્યું.

      અંગેઅંગથી વૃંદાની ભાષા અનુભવતી મીરાં વૃંદાને સતત ઝંખે છે. મુંબઈગમનથી વૃંદાના થોડાં દિવસની ગેરહાજરી પણ એને માટે અસહ્ય નીવડે છે. મુંબઈ જતી વૃંદાને સ્ટેશન પર વળાવવા આવેલી મીરાં એને શોધી નથી શકી એ વ્યાકુળતા આપણને પણ અકળાવે છે. ન બસ ન રિક્ષા. લગભગ દોડતી સ્ટેશને પહોંચતી મીરાં ટ્રેઈનના ઉપડવાના સમયે તો પુલ પર માંડ પહોંચી છે, “પગ ઓગળતા હતા અને છાતી ધમણની જેમ હાંફતી હતી. પુલ પરથી દોડતાં જોયું. અફાટ માનવ સાગર... આમાં ક્યાં શોધું મારી લહેરને ? દાદરાના ઉપલા પગથિયે જ બેસી પડી. આંખમાંથી ચોધાર આંસુ... હું અડાબીડ જંગલમાં અટવાઈ ગઈ હતી... ત્યાં ટ્રેનની વ્હીસલ વાગી. હું ઊભી થઈ અને ચાલતી ગાડીના દરેક ડબ્બાને ‘આવજો’ કરવા લાગી... આ ટ્રેનમાં ક્યાંક મારી વૃંદા છે... છે... છે...” આમ તો અહીંથી જ મીરાં વૃંદને ગુમાવી ચૂકી છે. તેનો આ રીતે અણસારો આપણને નાટ્યાત્મકતાથી સૂચવાયો છે. પગથિયે ભાંગી પડેલી મીરાંની વ્યાકુળતાને એથી વધુ માર્મિક અર્થ સાંપડ્યો છે. મુંબઈથી પાછી ફરેલી વૃંદા તો બીજી કોઈક છે. ડૉ. અજિત સાથે સંબંધ સ્થાપી પાછી આવેલી વૃંદા, મીરાંથી અળગી થતી જાય છે. વૃંદાના રગેરગનો રાગ પામેલી મીરાં ઔપચારિકતા ધુમ્મસમાં સંબંધને વીંટાતો ખોવાતો ને પછી ભૂંસાતો જોઈ રહે છે.

      સમય જતાં મીરાં ફરી સંશોધનકાર્યમાં મન પરોવે છે. કલાનાં દરેક માધ્યમના સંસ્પર્શે ફરી નિજાનંદ તરફ વળવા પ્રત્યનશીલ બને છે. અભ્યાસ, એનો સંતોષ તો કેટલાક અભ્યાસગત ત્રાસ પણ એ સહે છે. અહીં ફરી એ ઉદ્દામવાદી કવિ ઉજાસના પરિચયમાં મુકાય છે. હજુ વૃંદાને ઝંખતી મીરાં, એ પ્રેમનો તલસાટ ફરી અનુભવ, જાણ્યેઅજાણ્યે થોડી ભીતિ સાથે પણ ઉજાસ તરફ ખેંચાય છે. ઉજાસના કલાકીય સૌંદર્યગત બૌદ્ધિક જીવનાભિગમથી અને વૃંદાના અભાવને પૂરવાની મથામણમમાંથી ઊગરવા ઇચ્છતી મીરાં લખે છે : “ઉજાસનું સાન્નિધ્ય, એની વાતો, એની કવિતા ગમે છે. કદાચ હું એના તરફ ઢળતી જાઉં છું...” ઉજાસની હાજરી માત્રથી મીરાં : અચાનક અનુભવાયું કે “હું નરી સ્ત્રી છું” નો અનુભવ પામે છે. વૃંદાના લગ્નદિવસે સાબરમતીના નીર મધ્યે બે ગુલાબ વહાવી પોતાની ભેટ ધરી મીરાં પાછી વળે છે ને ઉજાસને અપનાવે છે. પ્રેમ થયો છે એવી સમજમાં મીરાં દેહસમર્પિતા બને છે. અહીંથી ફરી પાછી શરૂ થાય છે સંબંધવિચ્છેદન ઊંડી ખાઈ તરફની ગતિ. ફરી એ અનુભવ : એણે મારા જીવનનાં સુંદરને કચડી નાંખ્યું, ચૂંથી નાંખ્યું.”

      “ધોધમાર કામનાઓના ધધૂડા નીચે મારા અસ્તિત્વનો છેકાયેલો મુસદ્દો ભીંજાઈને ડૂચો વળી ગયો છે...” મીરાંની આવી સીધી સોંસરી હૃદયની વાચા પામેલી સ્થિતિ, વેદનાની જનની બની રહે છે.

      મીરાં ને એની મમ્મી સાથેનો સંબંધ પહેલી નજરે ઓછા મહત્વનો લાગે. પરંતુ ખરેખર તો એ સંબંધની પૃષ્ઠભૂમિમાં જ વૃંદા અને ઉજાસ સાથેના સંબંધો ઊછર્યા છે. ત્યકતા મમ્મી વ્યથાને વધુ ને વધુ સમજતી મીરાં મમ્મીથી દૂર રહીને પણ નજીક હોવાનો અનુભવ કરે છે. તરછોડાયેલી નારી પૂરા આત્મગૌરવથી જીવે છે, અને સવિશેષ દીકરીના સ્વમાનને પણ સુરક્ષિતતા બક્ષી શકી છે. પ્રત્યક્ષ ન રહીને વધુ તો મીરાંની યાદોમાં વસેલી મમ્મીની સમજદારી આપણને ભીંજવતી રહે છે. આવી મમ્મીનું દુઃખ અપનાવી સુખી કરવાની ભાવના છતાં અંતે તો મીરાં મમ્મીને જ સૌથી વધુ દુભવી બેસે છે. આત્મપરિચયની મથામણમાંથી પસાર થતી મીરાંના જીવનમાં ઘણુબધું બની ગયું છે એનો અંદાજ આવવા છતાં, મીરાંને સામેથી કશું ન પૂછી એની સ્વતંત્રતા સાચવતી મમ્મીનો સંયમ દાદ માંગી લે એવો છે. ઉદાસીની દીવાલોમાં ઘેરાયેલી પુત્રી, વખત આવે જરૂર વાત માંડશે એવી ધીરજપૂર્વકની સંયમિત સમજણ સ્ત્રીઓમાં ભાગ્યે જ જોવા મળે. સંસ્કારિતાની આવી ઊંચાઈ મમ્મીના વ્યક્તિત્વના અંશરૂપે નિરુપી લેખીએ પૂરી તાદામ્યતાથી આ પાત્રનું સર્જન કર્યું છે. વૃંદાની જેમ મમ્મીને પણ એનાં ‘બે વાંભ થાય’ એવા લાંબા વાળ પ્રિય છે. ડાયરીના અંતમાંનું દ્રશ્ય આવું છે : બનાવટી લાગણીની ધજા ફરકાવતું કાર્ડ વૃંદા તરફથી આવે છે. જેમાં અમલતાસનું સુકાયેલું ફૂલ છે : જે જોતાં જ કાતર ચલાવી લાંબાવાળનો નિષ્પ્રાણ ઢગલો જમીનદોસ્ત કરતી મીરાંના આ કૃત્યથી મમ્મી સખત ઘવાય છે. આ બિંદુએ સંવેદનાની તીક્ષ્ણ ધાર પર આત્મપીડનની પરાકાષ્ઠા જેવી ખીણ પાસે મીરાં આવી ઊભી રહે છે. અહીં ડાયરી બંધ થાય છે. અથવા શરૂ થાય છે.

      ચાની લારીએ નોકરી કરો દેવી – નાનો છોકરો – ડાયરીમાં જીવંત રેખાચિત્ર બન્યું છે. લઘરવઘર છતાં મીઠો દેવી જો થોડાદિવસ ક્યાંક ભાગી જાય તો મીરાંને ચાનો સ્વાદ ફિક્કો લાગે છે. આ નાનું પણ મહત્વનું પાત્ર મીરાંની અનુકંપાના વિસ્તારમાં ઉપકારક નીવડે છે.

      લઘુનવલમાં સુંદર દ્રશ્યેઓ ઠેરઠેર રાવટી બાંધી છે. લેખિકાની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને કલ્પનાશક્તિના સાયુજ્યસભર ઉત્તમ અંશો બે–ચાર માણી લઈએ.

૨૧મી જાન્યુઆરી : સાબરમતીને કાંઠે મમ્મીને રાહ જોતી મીરાંની બાજુમાં વૃંદા પણ સ્મરણમાં ગંગા ને નજર સામે સાબરમતી વહે છે;
      ગંગા અને વરુણાના સંગમથી થોડે દૂર પુલ પાસે ગંગામાં શહેરની ગંદકી ઠાલવતું નાળું... આગળ જતાં આદિકેશવ ઘાટ પર ગંગાના સ્થિર જળમાં ઝિલાતું આદિકેશવનું મંદિર, શિખર, કળશ, સમગ્ર મંડપ, ઘાટનાં પગથિયાં, પગથિયાં પર પતંગ ચગાવતાં છોકરાં, અહીં–તહીં મોં મારતી એક સફેદ બકરી... અમારી હોડી કોઈ પાતાળનગરી તરફ સરકતી હતી, સહેજ હવાની લહેરખી આવે પાતાળનગરીના રાજાનો આખો મહેલ ઠેસ લઈને હીંચવા માંડે... તો ક્યારેક ગતિ વધતાં બધું જ ગરક થઈ જાય. અને સપાટી પર રહે અવગતિયા મહેલના અવશેષ જેવાં સાપોલિયાં ગંગાની જેમ ઊડી ગયેલા આસમાની રંગને ઓઢીને પડી છે આ સાબરમતી !

૨૭ મે : મમ્મી સાથે આબુ ફરવા ગયેલી મીરાં એકલી જ ક્યારેક નીકળી પડે છે એનો તાદ્રશ્ય અનુભવ.
      વહેલી સવારે દાંતા રોડ તરફ ફરવા ગઈ... ઢોળાવ ચડતી હતી ત્યાં સામેથી ધસી આવ્યું ગાયોનું ધણ. પહેલાં એક સામટા કેટલાય પગ, ઢીંચણ પરનાં કાળાં–કાળાં ધાબાં, બે ડગલાં વચ્ચે રણકી ઊઠતી ગળાંની ઘંટડીઓ, ડાબે–જમણે ડોલતાં માથાં, પાણી ટપકાવતી કાળી ભમ્મર આંખો અને ઝૂકેલાં શીંગડા... થોડું સરકી ઝડપથી ચાલી ધણની પાછળ ઢાળ પર ચડી ગઈ... ઢોળાવ પરથી દડતી ગાયો, જાણે મારી ખોઈમાંથી વેરાયેલા જારના દાણા...

૧૮ ફેબ્રુઆરીની સવારે આવેલું સપનું, મીરાંના ભાવિના એંધાણ જગાડે છે. એનાં ભણકારા કેવા ભયાવહ છે, ગૂંથણી જોવા જેવી છે.

      “જાણે હું મારા ઘરના પાછળના કમ્પાઉન્ડમાં વચ્ચોવચ્ચ ચત્તીપાટ પડી છું. મારું માથું મોગરાના ક્યારામાં છે. ત્યાં મારા જમણા ચોટલા ઉપર સાપ ચડે છે, ઘેરો લીલો, ચમકતો, લાંબો, ભયથી મારો જીવ તાળવે ચોંટી ગયો હતો. ત્યાં કોઈ મને દૂરથી કહે છે કે ‘ચોટલો કાપી નાખ.’ અને હું કાતર લઈને ચોટલો કાપવા જાઉં છું ત્યાં મારી આંખ ઊઘડી જાય છે !”
      ભાષામાં આવો અસ્ખલિત ગતિશીલતાનો અનુભવ આપણને બાંધી રાખે છે. એકસરખી, કોઈપણ આડંબરી ઉતારચઢાવ વગરની સીધીસાદી આપણી ગુજરાતી ભાષા અહીં નરવી ક્રાંતિ ધારણ કરી શકી છે, ધસમસતા કામવેગનાં વર્ણનોમાં ભાષા એ જ ગતિ જન્માવે છે, એનાં પૂરાં ગાંભીર્ય અને ઔચિત્ય સાથે.

      આવી સુંદર કલાકૃતિમાં જે બે–ચાર નાની મુશ્કેલી ઊભી કરી છે એની નાનકડી નોંધ : આખાયે પુસ્તકમાં કોઈપણ પાનું ઉઘાડીએ લેખિકાએ ત્રણ ત્રણ ટપકાં... ગમે ત્યાં વેરી દીધાં છે. શું કામ ? નથી તો મુદ્રણની દ્રષ્ટીએ મુકાયાં કે નથી કોઈક અવકાશ રચતા, કશુંક તૂટતું–ખૂટતું સૂચવવા, અમથાં ખૂંચે છે. આમેય ડાયરીનું સ્વરૂપ આત્મસંવાદ રચે, એમાં કશું ય અધ્યાહાર ન હોય. એવું જ આવતાં કૌંસ ( ) વિશે. મીરાં કશું સંતાડતી નથી. છાનાછપના નહીં, પણ વાડ કૂદીને સંબંધની મોકળાશ સ્વીકારતી મીરાં લખતી વખતે કૌંસનો વિનિયોગ કરે એ પ્રયુક્તિ બંધબેસતી નથી એ જ પ્રમાણે અંગ્રેજી શબ્દોની ભરમારે તો ભારે ધમાચકડી મચાવી છે. ગુજરાતી ભાષાના બારીક મુલાયમ પોતમાં વારેવારે લમણામાં અંગ્રેજી ઝીંકાય છે, સદ્દભાગ્યે અંત તરફ વધતી કથાની ઝડપ સાથે અંગ્રેજી શબ્દો કદાચ તાલ મેળવવાના અભાવના કારણે ભાગવા માંડ્યા છે. લેખિકાની સભાનતામાં આવી ભાષાકીય સૂઝની અપેક્ષા રહે છે, વૃંદા – મુંબઈ ગયા બાદ બે પાનાંમાં ‘વૃંદા નથી.’ ‘વૃંદા નથી’ એટલું જ લખાણ જે ધારદાર અસર ઉપજાવે છે. ૧૯ જાન્યુ, નું રિક્ત પાનું કશું વિશેષ નથી જન્માવી શકતું. ડાયરીમાં વચ્ચે એકાદ પાનું ખાલી રાખવું એ આ પૂર્વની આધુનિક કૃતિઓમાં આવતી પ્રયુક્તિ અહીંયા ઘસાયેલી રેકોર્ડ જેવી, ક્યાંથી પ્રવેશી ગઈ ?

      ડાયરીનું સ્વરૂપ એટલે આત્મસંભાષણ. પોતાને પોતાનો થતો પરિચય. વિચારો પણ પ્રથમ પુરુષ એકવચનમાં, બહુ બહુ તો ‘આપણને’ જેવા બહુવચનના માનાર્થ સંદર્ભે વ્યક્ત થાય, લેખિકાએ ઘણું ખરું તો એ પાર પાડ્યું છે, ને ત્યાં ત્યાં મીરાંના એકદંડિયા મહેલમાં બાંકોરાં પાડી લેખિકા પ્રત્યક્ષ થયાં છે ત્યાં ‘તમે’ ‘તમારા’ જેવા પ્રયોગથી લેખિકા વાચકથી સભાન રહ્યાની ગંધ આવે છે. બીજી આવૃત્તિમાં આવી થોડી ત્રુટિઓ નિવારી લેવાથી ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ ગુજરાતી ભાષાની અનવદ્ય, રમણીય રચના બની રહેશે.


0 comments


Leave comment