1 - ૩૧ ડિસેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


‘તારી તે લટને લહેરવું ગમે,
ઘેલા કો’ હૈયાને ઘેરવું ગમે.....’

      આ પંક્તિ ગઈ કાલથી મારા માથે સતત ઝીંકાઈ રહી છે... અને હું પળેપળ દહેશતમાં... રખેને તૂટી જશે તાળાં... ના, એ સાતમા ઓરડાનું અસ્તિત્વ જ ભૂલી જવું છે મારે.... પણ આ પંક્તિ ?

      અત્યારે રાતનો દોઢ થવા જાય છે. હમણાં જ ન્યૂ ઇયરની પાર્ટી વિખરાઈ. હોસ્ટલના સેન્ટ્રલ હોલમાં ખાણી-પીણી, ગીત-સંગીત અને વિવિધ સ્પર્ધાઓની રમઝટ હતી. હું ક્યારેક કિનારે ફંગોળાઈ જતી તો કયારેક પ્રવાહમાં ખેંચાઈ જતી હતી.....

      ઉજ્જવલાએ જબરદસ્તીથી મારું નામ વાળની સ્પર્ધામાં લખેલું. મને કહે ‘અલી મણિબહેન, જો તારા જેવા સુંદર વાળ હોય ને તો હું એક એક લટમાં દસને લપેટું....’

      ‘તારી તો વાત થાય ?’ કહી હસી કાઢી એને, પરંતુ સ્પર્ધાનું ઇનામ લેતાં એક સૂનકાર ઘેરી વળ્યો મને... આ નિતંબપૂર કેશપાશમાં કોણ બંધાશે....? આ કાબરચીતરા સ્પર્શને ઓળંગીને કોણ પહોંચશે મારા સુધી ?
‘કોણ, જો હું પોકાર કરી ઊઠું, સાંભળશે મને.....?


0 comments


Leave comment