33 - મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં / ગંગાસતી


મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં,
દેખાડું હરિ કેરો દેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું,
જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી ... મનડાને.

સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવું
સુક્ષ્મ કરવો વે'વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ,
ને વૃત્તિ ન ડોલે લગાર જી ... મનડાને.

કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવો
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો,
નિત્ય રે ચડાવવો નવો રંગ જી ... મનડાને.

ચિત્તને વિષયમાંથી ખેંચી લેવું
રેવું સદાય ઈન્દ્રિય-જીત રે,
ગંગા સતી એમ બોલિયાં પાનબાઈ,
તો વિપરીત થાશે નહીં ચિત્ત જી ... મનને.


0 comments


Leave comment