૭ વિદાય / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      કરસન ઝબકીને જાગી ગયો. એ થોડીવાર તો આંખો મીંચી એમ ને એમ પડ્યો રહ્યો. શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું. એણે ખાટલામાં ધીરેથી બેઠાં થઈ હથેળીથી ગરદન લૂછી. હથેળી ચીકણી થઈ ગઈ. સામે ઊભેલી ગુંદીનો પડછાયો ખાટલા પર હાલકડોલક થઈ રહ્યો હતો. એણે ફળિયા તરફ કાન માંડ્યા. ફળિયું જાણે ખાલીખમ્મ. એક બકરી બાંબેડા પાડી સૂનકારને વધુ ઘટ્ટ બનાવી રહી હતી. એને થયું – કેમ ઝોલું આવી ગયું ? તરત એના કાન સરવા થયા. ગામના પાદરથી આવતો શોરબકોર કાન વાટે ભીતર પ્રવેશી ગયો. એ શૂન્ય આંખે આંગણાની ધૂળમાં પડેલાં પગલાં જોઈ રહ્યો. કેટલોક સમય એમ ને એમ પસાર થઈ ગયો. કશોક વિચાર કરી એ ઊઠ્યો. ભીંતને પડખે પડેલી ટાંકીમાંથી પાણીનું ડબલું ભરી મોઢા પર છાલક મારી, તે સાથે જ ડબલાનો ઘા કર્યો ! સિમેન્ટની ટાંકીમાં રહેલું પાણી તપી ગયું હતું. એણે ભીના હાથ ચહેરા પર ફેરવી લીધા અને પછેડીથી ચહેરો સાફ કરવા વળ્યો ત્યાં પગમાં કાખઘોડી અટવાઈ. કાખઘોડી સામે જોતાં બત્રીસી ભીડાઈ ગઈ. એ ઓટલા પર બેસી ગયો. કેટલાક દિવસનો ડૂમો બહાર આવવા મથી રહ્યો. પાદરમાંથી આવતા અવાજો કાનમાં ભોંકાતા હતા. મનમાં કેટલીય ગડમથલો ચાલી. આખરે નિસાસો મૂકી ઘોડી બગલમાં ગોઠવી ઊભો થયો.

      ફળિયા વચ્ચ પહોંચ્યો ત્યારે એણે આજુબાજુ જોઈ લીધું. કશોક અજ્ઞાત ભય લાગી રહ્યો હતો પોતાના ફળિયામાં જ. એને થયું આજે કોઈની નજર ન ચડી જવાય તો સારું. ફળિયું પસાર કરી એ હનુમાનની દેરીએ પહોંચ્યો. દેરી સહેજ ઊંચાણ પર હોવાથી સામેનાં પાદરનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું હતું. દેરીની ઊગમણી ભીંતનો ટેકો લઈ છાંયડામાં બેસી પાદરમાં શૂન્ય આંખે જોઈ રહ્યો.

      સામે લાલ–પીળા રંગોનો મેળો જામ્યો હતો. આખો વરસ પાદરમાં ઊમટ્યો હતો. પીપળીના ઝાડના બાંધેલા મોટા ઓટલાની ઉતરાદી બાજુએ જાનને લેવા આવેલું ટ્રેક્ટર મરેલી ઘોની જેમ પડ્યું હતું. દેવો ઢોળી ઓટલાના એક ખૂણે બેસી ઢોલને ટેકો દઈ બીડી પી રહ્યો હતો. વરકન્યાને ખેતરપાળ પૂજન માટે લઈ જવાયાં હતાં. તળાવ જતા રસ્તા પર સ્ત્રીઓનું એક ટોળું ગીત ગાતું હતું. કરસને ધર્મશાળાના ખંડેર તરફ જોયું. ત્યાં તો ધર્મશાળાની ભીંત પાછળથી વર અને અણવર નીકળ્યા. વરના હાથમાં રહેલી તલવાર પર વીંટાળેલી રૂપેરી જરી સૂર્યપ્રકાશમાં ઝગારા મારતી હતી. કરસનની આંખો વર અને અણવર પાછળ આવતી ત્રણચાર સ્ત્રીઓ પર ચોંટી રહી. ખત્રીએ હાથે બાંધેલા લાલ બાંધણામાં મોઢું છુપાવી એક સ્ત્રીના ખભે માથું ઢાળી ધીમી ચાલે ઢોળાવે ઊતરી રહેલી કમનીય દેહાકૃતિને ફાટી આંખે જોઈ રહ્યો. એની છાતીનો મૂંઝારો આંખોમાં ધસી આવ્યો. નીચલો હોઠ દાંત તળે દબાઈ રહ્યો. એને અત્યારે બિલકુલ ખાતરી થઈ ગઈ કે બસ હવે લીલુ મારી નથી નથી જ ! ચાર–પાંચ દિવસ પહેલાં જ હજી એ એમ વિચારતો હતો કે કોઈ ચમત્કાર થશે. પણ અત્યારે જે સામે દેખાતું હતું એમાં મીનરેખ થઈ શકે તેમ નહોતું. એને પોતાનું તમામ જોર સાથળ નીચે લબડતી પેન્ટને જોઈ રહ્યો.

      હવે જાનૈયા ટ્રેક્ટરમાં ભરાવા લાગ્યા હતા. લીલુને પીપળીના ઓટલા પર બેસાડી કોઈક સ્ત્રી પાણી પીવડાવી રહી હતી. વર પણ અણવરનો ટેકો લઈ ટ્રેક્ટરમાં બેસી ગયો. હવે માત્ર લીલુને બેસાડવાની બાકી હતી. નાતીલા સહુ લીલુને માથે કન્યાવિદાયનો હાથ ફેરવવા આવવા માંડ્યા. જેવો ધનજીએ લીલુને માથે હાથ મૂક્યો કે લીલુ ધનજીની ડોકે વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પીપળીનાં પાન જાણે સ્થિર થઈ ગયાં. આસપાસ ઊભેલાં સૌ ભીની આંખે બાપદીકરીને જોઈ રહ્યાં. કઠણ કાળજાનો ધનજી નાના બાળકની જેમ રડતો હતો. થોડે દૂર બેઠેલા કરસનના મહામહેનતે રોકી રાખેલાં આંસુ વહી નીકળ્યાં. એણે ઝાંખરાં જેવાં કેરડાંનાં ઝાડમાં બેઠેલી દેવચકલીને જોતાં જોતાં ગાલ પર ખારાશ રેલાઈ જવા દીધી. એને પણ ધ્રુસકે ધ્રુસકે રડવાની ઇચ્છા થતી હતી. પરંતુ એ જોઈ રહ્યો માત્ર.

      ડ્રાઈવરે એન્જિનની ચાવી ઘુમાવી. ટ્રેક્ટરની ઘરઘરાટીમાં લીલુનાં ધ્રુસકાં દબાઈ ગયાં. લીલુના કાકા નરસીએ લીલુને ઊંચકીને ટ્રેક્ટરમાં બેસાડી દીધી અને ખમીસની બાંયથી આંખો લૂછતો ઓટલે બેસી ગયો. ડ્રાઈવરે સ્ટીઅરિંગ ફેરવ્યું. કરસન હાથ છાતી પર જોરથી દબાવી એ લૂંટાયેલા મુસાફરની જેમ ટ્રેક્ટરને જતું જોઈ રહ્યો. એણે રડતી આંખે આથમણી બાજુ જોયું. સૂરજની થોડીક કોર બાકી હતી. ટ્રેક્ટર તળાવની પાળ બાજુનો વળાંક વળી ગયું.

      સૌ વિખરાઈ ગયા. છેલ્લે લીલુની મા વીલા પગલે નીચે જોતી પછી વળતી હતી, જાણે ખોવાઈ ગયેલાં પગલાં શોધતી હોય તેમ ! ધીમે ધીમે ગામ પર અંધારાંની રજોટી ખરવા માંડી. કરસન બેસી રહ્યો સૂનમૂન ! ડાબા પગે ખાલી ચડી ગઈ હોય એવું લાગતું હતું. એણે પગ સીધો ન કર્યો. દૂર મા’દેવના મંદિરની ટ્યુબલાઈટ ઝગમગી ઊઠી. એને પોતાના ફળિયામાંથી આવતો રોજબરોજનો શોરબકોર સંભળાયો. એને થયું, બસ બધાં એટલી વારમાં બધું ભૂલી ગયાં ?

      થોડાં સમય પહેલાં દ્રશ્યો એની આંખ સામે તરવરી રહ્યાં. આખરે એ ઊઠ્યો. પગે ખાલી ચડી જવાથી ખાસ્સી વાર ભીંતના ટેકે ઊભા રહેવું પડ્યું. એને થયું બીજો પગ પણ ખોટો થયો કે શું ? એ ઘેર જવાને બદલે સીધો વાડે ગયો. વાડાનો ઝાંપો ઉઘાડી પ્રવેશ્યો કે તરત કડબમાં વતરા અને બળેલાં ઓઈલની પરિચિત ગંધ એનાં નાક સોંસરવી નીકળી ગઈ. એ ધીમે ધીમે ખાટલા પાસે આવ્યો. કાખઘોડી ખાટલાની ઇસને ટેકે મૂકીને ખાટલામાં પડતું મૂક્યું. ખાટલાની કાથી પીઠમાં ખૂંચી પણ એનું ધ્યાન ન ગયું. એણે જોરથી આંખો મીંચી દીધી. નાકમાં પ્રવેશતી પરિચિત વાસ આજે અળખામણી લગતી હતી.
- ભાઈ કરસન... !
- કરસન, હું ક્યારથીય તને ગોતું છું વીરા !
- હું અહીંયા જ પડ્યો છું. બીજે ક્યાં જવાનો હતો ?
       કરસન અવાજમાંથી નીતરતી પીડા અને લાચારી ધનુને કાળજાં સોંસરવી નીકળી જતી હતી. એ ખાટલા પાસે ઊભડક પગલે બેસીને કરસનના કપાળે હાથ ફેરવતાં રડમસ અવાજે બોલી.
- ચાલ, જમી લે ભાઈ, ભૂલી જા બધું.
- ધનુ, તું પણ આવી વાતો કે’શ મને ?
- તો શું કરીશ બોલ ! ભૂલી જવામાં જ સાર છે. ભઈલા ! એ પણ થોડી પોતાની મરજીથી ગઈ છે અને તને સંભારીને રડી પણ કેટલું છે ! હવે એ પરાઈ છે કરસન. તારા જોગ તને પણ મળી જશે.
- મારા જોગ ! એટલે ? કરસન ચિત્કારી ઊઠ્યો.
- હા ભાઈ, વખતને માન છે. ચાલ ઘરે, માએ પણ ખાધું નથી.
- તું જા, આજે હું નહીં ખાઉં. મને ભૂખ નથી. માને કહી દેજે.
       ધનુ થોડીવાર બેસી રહી ચુપચાપ. પછી કરસનના મોં સામે થોડી વાર તાકી અને નિરાશ થઈ જતી રહી. કરસન હોઠ ભીડી ધનુને જતી જોઈ રહ્યો. પૂર્વમાં થોડો થોડો અજવાસ ફૂટવા લાગ્યો. કરસને ખાટલામાં પડ્યાં પડ્યાં પૂર્વમાં જોયાં કર્યું. સહેજ કપાયેલો લાલચોળ ચંદ્ર ધીમે ધીમે ઉપર ચડતો હતો. વાડામાં ધીરે ધીરે બધું સ્પષ્ઠ થતું હતું. ખાટલાના ડાબા પડખે પડેલું વતરાનું મશીન અને ઓઈલ એન્જિન, થોડે દૂર અનાજ લણવાનું થ્રેસર મશીન. બીજી કેટલીક વેરવિખેર જેવી દશામાં પડેલી ચીજવસ્તુઓ. કરસને પડ્યાં પડ્યાં બધું જોયે રાખ્યું. થોડી વારે એ ઊઠ્યો. થ્રેસર મશીન પાસે આવીને ઊભો રહ્યો. મશીન પર હાથ ફેરવ્યો. રજોટાયેલાં મશીન પર એનાં હાથનાં નિશાન ઊઠી આવ્યાં. એ ઊભો ઊભો આમતેમ જોતો રહ્યો. એને કશું સૂઝતું નહોતું. શરીર અને મગજ જાણે સ્વતંત્ર રીતે કામ કરતાં હતાં. આખરે એ આવીને ઓઈલ એન્જિનને પડખે બેસી ગયો. એન્જિનના લીલા રંગને એણે જોયાં કર્યું. એકધારું જોઈ રહેવાને કારણે એની આંખમાં પાણી આવી ગયાં. એણે ધીમેકથી પૈડાં પર ગાલ ટેકવી આંખો મીંચી દીધી. પૈડાંનો ઠંડો સ્પર્શ સહેજ ગમ્યો. ફળિયામાં સોપો પડી ગયો હતો. રાત સમસમ વહેતી જતી હતી. એ એમ ને એમ બેસી રહ્યો. શરીર બરોબર થાક્યું હતું. એને ઊઠીને ખાટલા પાસે જવાની ઇચ્છા થઈ, પણ એ ત્યાં ને ત્યાં આડો પડ્યો. પડખે પડેલા નાના પાટિયા પર માથું ટેકવ્યું અને પગના અંગૂઠાથી મશીનનાં પૈડાં ઊંધું ફરતું હતું ધીમે... ધીમે...

      અચાનક ચંદ્ર જાણે આકશમાં દોડવા લાગ્યો. સાથે કરસન પણ ઊડતો હતો ચંદ્ર પર બેસીને !

       દરિયા વટાવતો ચંદ્ર મોટા રણ ઉપરથી પસાર થતો હતો. નીચે રેતીના ઢગના ઢગ. થોડી વારે એક મોટું શહેર આવ્યું. ઊંચી ઊંચી બિલ્ડીંગો. મોટાં મોટાં કારખાનાં ! ચંદ્ર દોડતો અટકી ગયો એક મોટી અધૂરી બાંધેલી ઇમારતને પડખે. અહીં જાણે બધા તેની રાહ જોતા હતા. શિવજી પટેલ, નારણ સંઘાર, લાલજી ફોરમેન, નારણે તોં લાગલો હાથ જ ઝાલ્યો.
- એય કરસન, તારી સગાઇ ગામમાં જ થઈ ને ? મને શિવજીએ વાત કરી. તે તો મારી ભાભીને જોઈ હશે ! હવે ઇન્ડિયા જાય ત્યારે ભાભીનો ફોટું લેતો આવજે એને ચાલ, દસ રીયાલ કાઢ, તારી સગાઈની પાર્ટી રાખી દઈએ.
       કરસન ખિસ્સામાં હાથ નાખવા જાય ત્યાં પાછો ચંદ્ર માંડ્યો ઊડવા. ફરી દરિયા વટાવતો ચંદ્ર ધીમે ધીમે એક અડાબીડ ખેતર પાસે આવ્યો. ખેતરમાં માથાઢાંક બાજરી લચી પડી છે. ખેતર વચ્ચે હાથમાં ગોફણ રાખી ધીમે ધીમે કોઈક ફરે છે.
- અરે તમે ! તમારાથી હવે અહીં ન અવાય. જાઓ જાઓ, બાપા ખેતરમાં જ છે.
- મને ખબર છે. હું તને કાં’ક કે’વા આવ્યો છું.
- કે કે’વું હોય ઇ ઝટ કો’. મને ડર લાગે છે.
- આ સાલ લગ્ન કરી નાંખું. મસ્તક નથી જાવું. હવે ત્યાં સુખ નથી આવતું અને તને ખબર છે, તારા માટે શું લઈ આવ્યો છું ?
- મને બધી ખબર છે.
- કોને કીધું તને ?
- ધનુએ. એ મારી બહેનપણી છે સમજ્યા ! હવે તમે જાઓ.
- લીલુ ! એક મીઠ્ઠી...
- ના, ના. બાપા આવી હશે. તમે જાઓ.
- જલદી કરને !
       લીલુ ડરતાં ડરતાં હોઠ લંબાવે છે ત્યાં ચંદ્ર માંડ્યો ઊડવા. ચંદ્ર એક મોટો ચક્કર મારી વાડા પાસે ઊભો રહ્યો.
      વાડામાં કડબનો વતરો થાય છે. ધક્... ધક્... ધક મશીન ચાલે છે. ચોમેર ધૂળ ઊડે છે. કેટલીય વાતો થયાં કરે છે.
- કરસન એટલે કે’વું પડે હો ! પૈસા ભલે એણે કમાવ્યા. કેવો ધંધો જમાવી લીધો. નહીંતર બાપ તો એનાં માટે મૂકીય શું ગ્યો’તો ?
       વાડામાં કડબ ઠલવાયે જાય છે. મશીન સતત ચાલતું રહે છે. લાકડાં પર ગોઠવેલાં મશીનના ફાઉન્ડેશન નટની ચાકી ઢીલી થાય છે. ફટ્ટાક ! પાટો ઉતારી જાય છે.
- એય ભાણિયા, પાનાં લાવ. જો ફાઉન્ડેશન નટ ઢીલા થઈ ગયા છે. લાવ જલદી કર. બધાં નટ ફરીથી ટાઈટ કરવા પડશે.
       નટની ચાકીના આંટા ફરે છે. લાકડા પર દબાણ વધે છે. ધીમે ધીમે તિરાડ પડે છે. અચાનક લાકડું વચ્ચેથી ચિરાઈ જાય છે. મશીન એક બાજુ નમી પડે છે. વાડામાં ચીસાચીસ થઈ પડે છે. મજૂરો દોડાદોડ કરી મૂકે છે. થોડી વારે એક ટૅક્સી વાડા પાસે આવીને ઊભી રહે છે અને પછી તરત માંડવીના રસ્તે પૂરપાટ ભાગે છે.

      અરે ! આ કોણ ? રાણા દાક્તર ? પણ ખભે કુહાડો લઈને કાં ફરે છે ? ને ધનજી સાથે શું વાત કરે છે ?
- દાક્તરસાહેબ !
- તારો શું થાય ?
- જમાઈ છે સાએબ.
- કુંવારો કે પરણેલો ?
- આ વૈશાખે લગન કરવાનાં છે સાએબ.
       દાક્તર રાણા ખડખડાટ હશે છે કુહાડો સજ્જડ પકડીને.
- લગન હેં ! હવે શું એ લગન કરશે. સગાઈ તોડી નાખ સગાઈ. સમજ્યો ?
       દાક્તર હસતાં હસતાં આગળ વધે છે ને પછી...

      કરસનનો પગ પૈડાં પરથી નીચે પટકાયો. તેણે હાંફળાફાંફળા થઈ આમતેમ જોયું. ગળામાં ભયંકર શોષ પડતો હતો. ઉપરથી ચાંદની વરસતી હતી છતાં શરીરે રેલા ઊતરતા હતા. ચંદ્ર મધ્યમાં આવી ગયો હતો. કરસનને અચાનક વિચાર આવ્યો .
- લીલુ અત્યારે શું કરતી હશે ?
        બસ આ વિચાર આવતાં જ તેનું શરીર ઠંડું થઈ ગયું. તીડના ટોળાં જેવા વિચારો ઉપર વિચારો. તે ત્રસ્ત થઈ ગયો હોય તેમ પૈડાં પર માથું મૂકી પડ્યો રહ્યો.
       લીલુ... લીલુ... !

        એક મરણચીસ તેના ગળામાં અટવાઈ ગઈ. તેણે હોઠ દાબી આસપાસ જોયે રાખ્યું. લાકડું સરી ન જાય તે માટે ખોદેલી બે ફણાવાળી કેશ પર એની આંખો સ્થિર થઈ ગઈ.

       એ લથડતો હોય તેમ ઊભો રહ્યો. ઊભા ઊભા આસપાસ જોયું. ચોમેર સન્નાટો છવાયેલો હતો. પોતાના ઘર સામું તાકતો કેટલીય વાર ઊભો રહ્યો. કંઈક જાતનાં વિચારો દોડી રહ્યા હતા. આંખો આગળ છાતી ફૂટતી મા અને માથા પછાડતી ધનુના ચહેરા તરવરી ગયા. તેના શરીરમાં આછો કંપ શરૂ થયો. તેણે દાંત ભીંસ્યા. આંખોમાં સહેજ ભીંસ ફરી વળી છતાં કશીક મક્કમતા છવાઈ ગઈ સમગ્ર શરીરમાં. તે દાંત ભીડી કોશ આગળ બેસી ગયો.

      આંખો સામે મશીનનો લીલો રંગ જાણે ભડકે બળતો હતો. તેણે લીલુનો ચહેરો યાદ કરવાનો પ્રયત્ન કર્યો અને મશીનના બેય પૈડાં પકડી લીધાં. ગળું બરાબર ફણા પર આવી ગયું હતું.

      એણે એક આંચકો અનુભવ્યો. છાતી પરથી ફરમ ગરમ રેલા સરતા જતાં હતા. દાંત હજુય ભીડાઈ રહ્યા હતા. પગ ઢીંચણ આગળ પછડાટ ખાતો હતો. એક આંચકા સાથે શરીર ચત્તું થઈ ગયું. આંખો ચંદ્ર સામે સ્થિર થઈ ગઈ. ચંદ્ર ધીમે ધીમે ઝાંખો થતો જતો હતો.
       ઝાંખો... ઝાંખો... કાળું ધબ્બ !

       નાતના રીવાજ પ્રમાણે બીજા દિવસે પગ પાછા વાળવા આવેલી લીલુની ચીસથી આખું ફળિયું વિંધાઈ ગયું. ફળિયાના બીજા છેડે ધનુ અને તેની માના ધ્રુસકાથી ફળિયાની ભીંતોમાંથી પોપડી ખરતી હતી.

       ડાઘુઓ હજી સ્મશાનેથી પાછા વળ્યા ન હતા.

[‘કચ્છમિત્ર’ રવિપૂર્તિ]0 comments


Leave comment