2 - ૧ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે નવાનગરથી મમ્મીનો પત્ર આવ્યો. એની સ્કૂલ આવતા અઠવાડિયે અમદાવાદ-ગાંધીનગરના પ્રવાસે આવવાની છે. જામો પડી જાય જો મમ્મી હોસ્ટલ પર આવે તો. અરે મૂરખ ! બસ ભરીને વિદ્યાર્થીઓને લઈને અહીં આવે અને એ ય પાછા પ્રાથમિક શાળાનાં તોફાની બારકસોને ! મમ્મી માટે હું ઘણું બધું હોઉં, પણ પ્રવાસી બાળકો માટે ? જે વાત દેખીતી રીતે માત્ર અશક્ય જ નહીં, મૂર્ખાઈભરી પણ હોય એના વિષે કલ્પના કરવાનો ય એક આનંદ હોય છે. ચગળી ચગળીને ચ્યૂઈંગમને ઓગાળવાની ચેષ્ટા જેવો....

      ખેર, મમ્મી ન આવી શકે; પણ હું તો મળવા જઈ શકું ને ! કાલે જ પત્ર લખીને એનો કાર્યક્રમ વિગતે પુછાવી લઈશ !


0 comments


Leave comment