3 - ૨ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      છેલ્લા કેટલાય સમયથી થતું હતું કે નિયમિત રીતે ડાયરી લખવી જોઈએ. દિવસભરમાં એવી નાની-મોટી અનેક ઘટનાઓ (ક્યારેક સ્થિતિઓ) બનતી હોય છે, જે તમને સ્પર્શી જાય. પરંતુ જો એ નોંધાય નહીં તો સમય જતાં એ એક ધૂંધળી છાપ જ બની રહે, અનુભવનો અંશ નહીં.

      આજે હું, રુચિ અને સલિલ પુસ્તકો ખરીદવા સસ્તું કિતાબઘરમાં ગયાં હતાં. રુચિને એક ચમત્કારની જેમ કામનું પુસ્તક મળી ગયું. રેનવેલેક અને ઓસ્ટિન વોરેનનાં ‘થિયરી ઓફ લિટરેચર’નો હિંદી અનુવાદ; અને એ ય માત્ર બાર રૂપિયામાં. હું અને સલિલ એની પાસેથી ‘લકીની ચ્હા’ લઈને જ જંપ્યા એટલું જ નહીં, સલિલે આગ્રહથી એને અર્ધી ચ્હા પણ પીવડાવી. શહેરની ‘એ’ ગ્રેડ હોટલના માલિકની એકની એક સુપુત્રીને બહારના પાણીની ય મનાઈ, ત્યાં લારીની ચ્હા ! મેં રુચિને કહ્યું, ‘પી લે ચ્હા’, સલિલ જેવો બંડખોર સોગંદ આપે એટલે કાં તો ચ્હા ખાસ હોય કાં પીનાર. મજા પડી ગઈ બંનેને પકડાઈ ગયેલાં જોવાની !

      સલિલ અને કોઈ વસ્તુ ન ભૂલે ? આજે પણ જેવાં ચ્હા પીને ઊભાં થયાં ત્યાં બંધુને ‘સસ્તું કિતાબઘર’માં ભુલાઈ ગયેલી ફાઈલ યાદ આવી. એક તો સાંજના પાંચ વાગવા આવ્યા હતા, અને રુચિને માથે ઘરના ટાઈમ-ટેબલની લટકતી તલવાર.... ફટાફટ રિક્ષા કરીને ‘સસ્તું કિતાબઘર’ ગયા. સલિલ ફાઈલ લેવા દુકાનમાં ગયો ત્યાં એક આઠ-દસ વર્ષનો લઘરવઘર છોકરો હાથમાં પોપકોર્નનાં પેકેટ લઈને ઊભો હતો. કહે, ‘બેન, લઇ લો, દસ પૈસા ઓછા આપજો. સવારથી કાંઈ ખાધું નથી. બેન, બોણી કરાવો.’ અનાયાસ મારો હાથ પર્સમાં ગયો અને મેં એને રૂપિયો આપ્યો. આ જોઈ સલિલ કહે, ‘એક રૂપિયામાં કોઈનું આત્મસમ્માન ખરીદવાનો અધિકાર આપણો નથી.’

      કદાચ સલિલની વાત સાચી છે. પરંતુ, જ્યારથી જગદમ્બા પ્રસાદની ‘મુરદાઘર’ નવલકથા વાંચી છે, ત્યારથી લાગે છે; પેટની ભૂખ પાસે આ સુફિયાણી વાતો માત્ર મોહક શબ્દજાળ છે. જાત પરથી એમને ખંખેરીને જવાબદારીમાંથી છટકવાનાં બહાનાં છે. આજકાલ મારી નજર કોઈ પણ ગરીબ કે રોગી સાથે ઠાલી નથી અથડાતી, કંઇક ઉઝરડાય છે.


0 comments


Leave comment