4 - ૪ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      બપોરે વૃંદાનો ફોન આવ્યો. હું નહાતી હતી એટલે મેં શુભાંગીને મેસેજ લેવા મોકલી. આવીને કહે, ‘વૃંદાબહેન પરમ દિવસથી હોસ્ટલમાં રહેવા આવશે. તમે વોર્ડનને કહી દેજો.’

      થોડીવાર પછી કહે, ‘મીરાંબહેન, તમને ખરાબ ન લાગે તો એક વાત પૂછું?’
      મને ખબર હતી એ શું પૂછવાની છે. એક એને જ નહીં, લગભગ દરેક જણને આ પ્રશ્ન થાય છે. મેં હા પાડી એટલે શુભાંગી કહે, ‘આ વૃંદાબહેન તમારાં ફ્રેન્ડ છે; અને તમને કાબરી કહે?’
શું શુભાંગી નહીં જાણતી હોય કે ક્યારેક શબ્દની પણ પાર નીકળી જતો હોય છે સમ્બન્ધ !
      એને શું ખબર? આ ‘કાબરી’ શબ્દ તો મારા આત્મવિશ્વાસની ધરી છે. એણે જ તો મને વિકૃત મનોદશામાં ફસાવા દીધી નથી.

      આઠમા ધોરણમાં હતી, ત્યારે ક્લાસમાં બધાંએ મારી ખીજ પાડેલી ‘કાળી-ધોળી’. પ્રાથમિક શાળામાંય આવા તેવાં નામ સાંભળવા મળતાં. સખ્ખત ધૂંધળાતી. કયારકે જરાક અમથું દુઃખેય ડોકાઈ જતું, પરંતુ પરિણામના દિવસે એ બધાં ભોંય-ભેગાં થઇ જતાં અને હું એક વેંત અધ્ધર ! લગભગ છએક મહિના, પહેલાં નંબરનો નશો રહેતો. ત્યાં વળી છ માસિક પરીક્ષા આવતી. પરંતુ એક વખત હદ થઇ ગઈ.

      એ દિવસે પ્રાર્થનાનો ઘંટ પડ્યા પહેલાં હું બોર્ડ પર ચોકથી વેલબુટ્ટા દોરતી હતી, ત્યાં અરુણ અને નિકેતન થપ્યો રમતાં બેંચ પાછળ સંતાવા આવ્યા. મને કહે, ‘એ કાળી-ધોળી, પેલા પ્રદીપને કહીશ નહીં.’ તે દિવસે પહેલી જ વાર મને એવો ગુસ્સો આવ્યો કે, જેવો પ્રદીપ બારણે ડોકાયો ને મેં બૂમ પાડીને કહી દીધું. બદલામાં ક્લાસમાં પાંચ મિનિટ સુધી કાળી-ધોળીનું કોરસ ગવાયું.

      આજે આખી ઘટના બહુ સામાન્ય લાગે છે, પરંતુ ત્યારે તો હાડોહાડ લાગી આવેલું. છેલ્લી બેંચે માથું નીચું નાખીને ક્યાંય સુધી રડતી રહી. ક્યારે બેલ પડ્યો, ક્યારે પ્રાર્થના થઇ, ક્યારે બહેન ક્લાસમાં આવ્યાં કંઇ જ ખબર ન પડી.

      બહેને હાજરી લેવા માંડી. ‘મીરાં... નથી આવી?’ પૂછતાં હાજરીપત્રકમાંથી ઊંચું જોયું. મને છેલ્લી બેંચે બેઠેલી જોતાં બોલ્યાં, ‘ત્યાં કેમ, બેઠી છે ?’
      મેં રડમસ અવાજે કહ્યું, ‘યસ ટીચર.’
‘હું પૂછું છું, ત્યાં કેમ બેઠી છે?’
એક ક્ષણ આખો ક્લાસ સ્તબ્ધ ?
બહેને ફરી પૂછ્યું, ‘તું ત્યાં કેમ બેઠી છે ?’
      છેવટે કાલિંદીએ બધું કહી દીધું. બહેન કંઇ જ ન બોલ્યાં. અને મારા રડવાનો બીજો દૌર શરુ થયો, વધારે તીવ્રતાથી (કદાચ બહેનના મૌનને કારણે...).
      હાજરી પતાવી બહેને બોર્ડ પર ગઈકાલના હોમવર્કની પંક્તિ લખી – “સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.’
      બહેને પૂછ્યું, ‘કોણ લખી આવ્યું છે આ વિચારવિસ્તાર ?’

      માંડ દસ-બાર આંગળીઓ ઊંચી થઇ. મેં ન કરી.
‘જે ન લખી લાવ્યાં હોય એ બેંચ ઉપર ઊભા થઇ જાય.’ બાકીના પાસે બહેને વારાફરતી વંચાવ્યું. છેલ્લે મને કહે, ‘કેમ કાળી-ધોળી, તને તો નહીં જ આવડ્યું હોય ! તારી મમ્મી ટીચર એટલે લાગવગથી પહેલો નંબર આવે, કેમ?’
      આ બહેન પણ ! સાંભળીને પગથી માથાં સુધી ઝાળ લાગી ગઈ.
      એક ઝાટકે ઊભી થઇ. પહેલી બેંચે મારી જગ્યાએ ગઈ અને નોટ કાઢી વાંચવા માંડ્યું, પૂરું કરી બહેન સામે જોયું, આ શું બહેનની આંખમાં ઝળઝળિયાં ?
‘ચલો, બધા નોટ ઉઘાડો અને આ મારી કાબરી લખાવે તે લખો અને હા, અરુણ, નિકેતન અને પ્રદીપ, તમારે ઊભા-ઊભા લખવાનું છે. સમજ્યા !’
      આજે ય એ ચહેરો બરાબર યાદ છે. સોનેરી ફ્રેમના ચશ્માંમાંથી ચમકતી ભીંજાયેલી મોટી આંખો, ચંપઈ ગૌર રંગ, તીણું નાક અને સ્મિત કરતા કંઇક માંસલ હોઠનો પડઘો ઝીલતા ગાલના ખાડા.

      એ દિવસ પછી મને ક્યારેય લાગ્યું નથી કે મારા શરીરે કોઢ છે અને વૃંદા મારી ટીચર છે.


0 comments


Leave comment