5 - ૫ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      કેટલીક વાર એવું બને કે તમારો શિક્ષણમાંથી વિશ્વાસ ઊઠી જાય.

      આજે નીચે ડબલ સીટેડ અઢાર નંબરમાં બે બહેનોએ ખરી કરી ! મોટી બહેન એમ.એડ. કરે અને નાની એમ.બી.બી.એસ. સવારનાં પહોરમાં હોસ્ટેલની લોબીમાં એકબીજીના વાળ પકડી, ખેંચતી-ખેંચતી, નખોરિયાં અને બચકાં ભરતી, રડતી અને ચીસો પાડતી બે બહેનો !

      અ-પૂર્વ દૃશ્ય હતું એ. સંસ્કારી શિક્ષિત મા-બાપની છોકરીઓ ! મા અધ્યાપક અને પિતા ડોકટર. અને આ રણસંગ્રામનું કારણ? રૂમ કોણ વાળે !

      આવા સમયે સર્વેશ્વરની પેલી કવિતા બરાબર ફીટ બેસે :
‘કિડ કિડ કિડ કિયાં કિયાં
દડબે સે નિકલી પઢી લિખી મૂર્ગિયાં....’

      કાલે સાંજે વૃંદા આવવાની છે. સવારમાં વોર્ડનને રીઝવવાં પડશે.


0 comments


Leave comment