6 - ૬ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      સવારે સાત વાગ્યે પહોંચી ગઈ વોર્ડનની સેવામાં.... વોર્ડન હતાં ભગવાનની સેવામાં.. એકદમ અપ ટુ ડેટ... હેરડાયમાં, લોશન-લિપસ્ટીકમાં અને આર-ઈસ્ત્રીવાળી સાડીમાં છીડાં પાડતાં એકલવાયાં બાવન વર્ષ... પાછાં વળવા ઝાવાં મારતાં વોર્ડનને જોઈ મન ઉદાસ થઇ ગયું. તો આશ્ચર્ય પણ થયું કે હજી ય એ રંગોમાં રસ ટકાવી શક્યા છે !

      વોર્ડનને આમ તો બધા ભગવાન સાથે સારાસારી છે, પણ સાંઈબાબા સાથે ઘર જેવો સમ્બન્ધ. દર ગુરુવારે ભજન અચૂક હોય. છોકરીઓ પોતાની તાત્કાલિક જરૂરિયાત પ્રમાણે વોર્ડન પાસે ગુરુવારના ભજનની લાગવગ લઈને જાય. મારે ભજનનો મેળ પડે એમ ન હતો, એટલે વહેલી સવારે હોસ્ટેલમાં પછવાડેના બોટનીના બગીચામાંથી ભાતભાતનાં ફૂલોની ઉઠાંતરી કરી, વોર્ડનને ફૂલોનું નૈવેદ્ય ધરી વૃંદા-સ્ટોરી ચાલુ:
‘મેડમ, મારી ફ્રેન્ડ છે. એમ.એ. કરે છે. અહીં તેના ભાઈ પાસે રહેતી હતી, પણ ગયા મહિને એના ભાઈની બદલી રાજકોટ થઇ ગઈ. બિચારીને પરીક્ષાને બે મહિનાની વાર છે. જો તમે તેને મારા ગેસ્ટ તરીકે રહેવાની પરમિશન આપશો તો તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું....’ વગેરે.... વગેરે.
      જો કે, વોર્ડન પાસે મારી છાપ સારી છે એટલે વાંધો ન આવ્યો. પરંતુ મેડમે બ્રહ્માસ્ત્ર પોતાની પાસે રાખ્યું. ‘જો ઉપરથી ઓર્ડર આવશે તો તેણે તાત્કાલિક જવું પડશે. અને હા, રૂમ જુદી નહીં મળે. ગેસ્ટચાર્જ અને એક મહિનાનું મેશબીલ એદાવાંશ આપવું પડશે. આજકાલની છોકરીઓનું કાંઈ કહેવાય નહીં. ખાઈ-પીને ક્યારે નાશી જાય ! અહીંના આવવા-જવાના, મળવા-હળવાના નિયમો બરાબર પાળવા પડશે, કહી દેજે તારી બહેનપણીને, હું બહુ કડક છું. અને હા, નો બોયફ્રેન્ડ બિઝનેશ.....!’

      ના જોયાં મોટાં નિયમવાળાં... એક બાજુ કહે કે રૂમમાં રસોઈ નહીં બનાવવાની અને પાછાં પોતે જ પહોંચી જાય ઉષાના રૂમમાં પુડિંગ ખાવા !

      વૃંદાને કારણે પી ગઈ બધો ગુસ્સો પણ, આ વોર્ડન કેવાં છે ! ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં.... એટલું હીણું લાગતું હતું... જાને એ બધાની હાજરીમાં મારાં કપડાં ન ઉતારતાં હોય !

      આજે મને સમજાયું કે રુચિનો ઘઉંવર્ણો ચહેરો કેમ ઘણી વાર કજળેલો-બુઝાયેલો લાગે છે !! સતત શંકા અને અવિશ્વાસભર્યા ઘરમાં ચોકીપહેરા હેઠળ શ્વાસ લેતી છોકરી કેમ કરીને ઝળહળતી અને ખીલેલી દેખાય ! વ્યક્ત નહીં થયેલો ક્રોંધ ધૂંધવાય છે એના ચહેરા પર.

      એક તો સવાર બગડી વોર્ડને અને સાંજે આ દુષ્ટા વૃંદાડીએ. આખી સાંજ રાહ જોઈ. છેક નવ વાગ્યે બહેનશ્રીનો ફોન આવ્યો-કાલે સવારે આવશે. ભાઈ-ભાભી પિક્ચર જોવા ગયાં છે, બંટીને એની પાસે મૂકીને; અને આ મીરાં એની રાહમાં ભૂખી રહી તે !


0 comments


Leave comment