9 - ૯ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      મને હતું કે વૃંદાના આવવાથી આ દિવસો છલકાઈ ઊઠશે. સાથે મળીને કવિતાઓ વાંચશું, પુસ્તકોની વાતો કરીશું. રોજ સાંજે લાઈબ્રેરીથી હોસ્ટેલના વૃક્ષછાયા પહોળા રસ્તા પર સાથે-સાથે પાછાં ફરીશું... અટીરાના કમ્પાઉન્ડમાં ઊભેલા ખખડધજ કાંચનાર પર ડૂબતા સૂરજનાં રતુંબડાં કિરણોને ઝીલતાં ફૂલોને જોતાં, એકલદોકલ પ્રેમીજનોના સુખની મજા લેતાં.... રાહ જોઈશું રૂમની બારીમાં ડોકાતાં શિરીષના ખીલવાની.....

      પરંતુ આ વૃંદા જાણે કે થીજી ગઈ છે. સવારે જમીને લાઇબ્રેરી આવવાનું કહ્યું તો ના પાડી. મને નવાઈ લાગી. વૃંદા અને લાઇબ્રેરીની ના ! સ્કૂલમાં તો એની કાયમી જગ્યા જ લાઇબ્રેરી.

      સાંજે આવીને જોયું, તો વૃંદા ખુરશી પર બેઠી હતી, સામે ટેબલ પર ખુલ્લું પુસ્તક અને આંખો બારી બહાર. મારા આવવાની ય એને ખબર ન પડી. હજુ તો એને ચોંકાવવા જાઉં ત્યાં તો આડત્રીસમાંથી મારા નામની બૂમ પડી.

       આ ઉજ્જવલા પણ ખરી છે. એની કાયમની રામાયણ-બ્રાની ક્લીપ ભરાવવાની. કામવાળીને ગાળો દેતાં-દેતાં અભિસાર માટે તૈયાર થતી હતી. શરુશરૂમાં બહુ સંકોચ થતો, પરંતુ એ પઠ્ઠી કેટલીય વાર બાથરૂમમાંય ખેંચી જાય – વાંસો કરાવવા. હું કહું, ‘આ શું? ગામડાની સ્ત્રીઓ જેમ નદી-કૂવે નહાય તેમ....’ જવાબમાં કહે, ‘કારણ કે તેઓ નોર્મલ હોય છે. મારું ચાલે ને તો ન્યૂડીઝમનો ઝંડો ફરકાવું. ઘણીવાર તંદુરસ્તી અને સુંદરતાના ભોગે આપણે ત્યાં કપડાંનો મહિમા થાય છે.’

      કંઇક અંશે ઉજ્જવલા સાચી છે. સ્ત્રીશરીરને ઢાંકી-ઢાંકીને આપણે તેના પ્રત્યે નોર્મલ નથી રહ્યાં.
      થોડી વારમાં જ ઘડિયાળમાં નવો દિવસ શરુ થઇ જશે.

      વૃંદા પલંગમાં સૂતી છે. એનો હાથ મને ફંફોસતો બાજુમાં પડ્યો છે. સાંજે કેટલું ય કહ્યું પણ વૃંદા જમવા ન આવી. એસીડીટીની બીકે બે-ચાર કોળિયા જેમતેમ પેટમાં નાખી રૂમ પર આવી ત્યારે જોયું તો દેવીજી પોતાની સાડી નીચે પાથરીને સૂતાં છે ! આ ઠંડીમાં સ્લીપર વગર લાદી પર પગ મંડાતો નથી ત્યાં આ ! મારું મગજ એકદમ ફાટત ત્યાં જ ગઈ કાલની વાત યાદ આવી ગઈ મેં જ તેને બિસ્તરો લાવવાની ના પાડી હતી.

      ધીરે રહીને મેં ય એની બાજુમાં લંબાવ્યું અને એનો ચહેરો મારા તરફ ફેરવ્યો. એણે શરીર મારે હવાલે કરી દીધું. આંખો બંધ હતી પરંતુ એ સૂતી ન હતી. મેં ધીરે ધીરે એના વાળમાં આંગળીઓ ફેરવવા માંડી. થોડી વાર રહીને તોફાની સ્મિત સાથે કહે, ‘મજા પડે છે.’ આ દુષ્ટા ! હું એકદમ ઊભી થવા ગઈ તો એણે મારો હાથ ખેંચી મને પોતાની ઉપર પાડી દીધી અને ધીરેથી મારા કાનની બૂટ ચૂમી લીધી અને તરત ઊભી થતાં કહે, ‘ચલ સૂઈ જઈએ.’


0 comments


Leave comment