10 - ૧૦ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      બધું સહન કરી શકાય(કદાચ), આપણાં નામના દુરુપયોગ સિવાય. આજે ખબર પડી કે લાઇબ્રેરીની રિસર્ચ કેબિનનો બીજો પણ ઉપયોગ હોઈ શકે !

      આ પહેલાં ય મને લાગ્યું હતું કે લાઇબ્રેરીની મારી કેબિન, મારી ગેરહાજરીમાં વપરાય છે. સતત કોઈ બીજાનો અહેસાસ વરતાયા કરે. આજે બપોરે ત્રણ વાગે હોસ્ટેલની લાઇબ્રેરી ગઈ તો કેબિનમાં ખારીસીંગનાં ફોતરાં, ઓલવાયેલી દીવાસળી અને હવામાં સિગારેટની ગંધ. બપોરે બારથી ત્રણમાં હું નથી હોતી ત્યારે... ગઈ સીધી ગ્રંથપાલ પાસે. ઠંડા કલેજે જવાબ મળ્યો, ‘લેખિતમાં આપો. તપાસ કરીશું.’

      સાંજે મેસમાં વૃંદાને વાત કરતી હતી ત્યાં ટેબલની બાજુએ જમતી ઉષાએ કહ્યું કે, ‘જ્યારથી યુનિવર્સિટી વિસ્તારની એક માત્ર હોટલ આદર્શનું રિપેરિંગ ચાલે છે, ત્યારથી કેટલાંક પ્રેમીજનોએ લાઇબ્રેરીના પટાવાળાને સાધી લીધા છે.’ પણ ઉષાને કેવી રીતે ખબર ? ત્યાં ઉજ્જવલાએ મજાક કરતાં કહ્યું, ‘શું તારા બોયફ્રેન્ડે પણ....’ સાંભળતાં જ ઉષા ભડકી. ‘ઓફકોર્સ નોટ, અમારા જર્મનીમાં પ્રેસ એ સંતાડવાની ચીજ નથી. અને જ્યાં પુસ્તકોની થપ્પી પર બેસીને પટાવાળા બીડી પીતાં હોય, લાઇબ્રેરિયનો પુસ્તકોની ખરીદીમાં ઘાલમેલ કરતા હોય, વાચકો પાનાં ફાડતા હોય ત્યાં લાઇબ્રેરી હોટલ બની જાય એમાં શી નવાઈ ?’

      ભારતીય તત્વજ્ઞાનમાં રિસર્ચ કરતી ઉષાની કામ કરવાની નિષ્ઠા સાચ્ચે જ અનુસરવા જેવી છે. ભારતીય ચિંતનમાં ઊંડા ઊતરવા માટે એણે પોતાનું નામ સુધ્ધાં બદલી જાતને નખશિખ ભારતીય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એક જુદા જ દેશ, સમાજ અને વાતાવરણના સંસ્કાર લઇને આવેલી ઉષાની ચેતના એવું ઘણું બધું જોઈ શકે જે આપણે નથી જોઈ શકતાં. મનોમન ઉષા પર શંકા કર્યાનો મને પસ્તાવો થાય છે. આયેમ રિયલી સોરી ઉષા !


0 comments


Leave comment