11 - ૧૧ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      એ મારો કેટલો મોટો ભ્રમ હતો કે હું અને વૃંદા ફાસ્ટ ફ્રેન્ડ છીએ. એના પર કેટલું બધું વીતી ગયું અને એનો અણસારેય નહીં !! પરંતુ એણે આજ સુધી કેમ ન કહ્યું? શું પોતાનું દુઃખ કહેવામાં એને નાનમ લાગતી હશે કે પછી એની સાથે હું પણ દુઃખી થઈશ એ કારણે ?

      સાંજે લાઇબ્રેરીથી આવી તો વોર્ડને બે પત્ર આપ્યા. એક બ્રાઉન કવર, ઉપર જોયું તો વૃંદા પારેખ અને બીજું મમ્મીનું ઇન્લેન્ડ. મમ્મી લોકો આવતી કાલે સવારે સાડા આઠથી નવની વચ્ચે સાબરમતી આશ્રમ પહોંચશે. લગભગ દોડતી, દાદરો ચઢી રૂમ પર પહોંચી તો વૃંદા પલંગમાં ઊંધું ઘાલીને પડી હતી. એને ઉદાસ જોઈ મારો ય આનંદ બુઝાઈ ગયો. મેં કહ્યું, ‘લે તારો પત્ર.’ સાંભળતાં જ બેઠી થઇ ગઈ, પરંતુ ગ્રાઉન કવર જોઈ ઠરી ગઈ. ફરજના ભાગ રૂપે પત્ર વાંચ્યો અને મૂકી દીધો. બાથરૂમમાં કપડાં બદલવા જતાં મેં પૂછ્યું, ‘કોનો છે?’ મારા હાથમાં પત્ર મૂકી એ બહાર જતી રહી.

      તો વૃંદાએ રાજીનામું આપી દીધું ! અને મને વાતેય ન કરી? સ્કૂલમાં કાંઈ થયું તો નહીં હોય ને! હું તેની પાછળ પાછળ બહાર અવી. લોબીમાં ક્યાંય ન હતી, કદાચ બાથરૂમ તરફ ગઈ હોય; ત્યાં પણ ન હતી. પાછા ફરીને આગાશીમાં જોયું. શૂન્યમાં તાકતી ઊભી હતી. પાસે જઈને તેના ખભે હાથ મૂક્યો. એ દોડીને રૂમમાં જતી રહી અને ટેબલ પર માથું નાંખી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. લાગ્યું વર્ષોથી થીજેલાં આંસુ વહેતાં હતાં. મેં એને રડવા દીધી. થોડી વાર પછી પાણી આપ્યું, મોં ધોઈ કહે, ‘ચલ, આપણે યુનિવર્સિટી ફરવા જઈએ.’

      રસ્તામાં એણે માંડીને વાત કરી.
      એ જ્યારે દસમાં ધોરણમાં હતી ત્યારે પ્રિન્સિપાલ તરીકે કામાણીસાહેબ નવા-નવા આવેલા. ગણિત બહુ સરસ શીખવતા. વૃંદાને ગણિતમાં પહેલેથી જ રસ. એસ.એસ.સી.માં સાહેબનાં ઘેર પણ શીખવા જતી. પછી સાહેબની સલાહથી એણે સિવણ ડિપ્લોમાં કર્યું અને એને તરત સ્કૂલમાં સર્વિસ પણ મળી ગઈ. સિવણ ઉપરાંત એ ભાષા અને ગણિત પણ શીખવતી.

      એટલે કે જ્યારે હું આઠમામાં આવી ત્યારે વૃંદાની સર્વિસને બે જ વર્ષ થયાં હતાં.
      પછી તો, એણે એન.સી.સી. જૂનિયરની ટ્રેનિંગ પણ લીધી. એણે સ્કૂલને જ પોતાનું સર્વસ્વ માણી લીધું, કારણ કે કામાણીસાહેબને ચાહતી હતી; અને સાહેબ એને. સાહેબ પરણેલા હતાં, પરંતુ તેમનાં વિધવા બહેનને કારણે તેમનાં પત્ની પિયર જતાં રહેલાં. માંડ એકાદ વર્ષ સાથે રહ્યાં હશે. એક બેબી પણ છે. સાહેબનાં પત્ની ય બહારગામ સ્કૂલમાં નોકરી કરતાં હતાં. બસ, એક જ ગૂંચ હતી. સાહેબને પસંદગી કરવાની હતી – વિધવા નિરાધાર બહેન કે પછી પત્ની અને પુત્રી ? વૃંદા માટેની લાગણીને કારણે સાહેબે પત્ની પર ન તો છૂટાછેડા માટે દબાણ કર્યું અને ન સાથે રહેવા માટે સમાધાન.

      મને સમજાયું નહીં કે બંને એકબીજાંને પ્રેમ કરે છે, તો પછી પરણતાં કેમ નથી ? જવાબમાં વૃંદા કહે, ‘સાહેબ ડાયવોર્સ આપે તો જ લગ્ન થઇ શકે. એનો અર્થ એ કે સ્ત્રીનો અધિકાર ઝૂંટવીને જ હું પત્ની બની શકું. અને એમની બેબીનું શું? એક સ્ત્રીનો અધિકાર ખૂંચવવાનું પાપ હું જીવતેજીવ નહીં કરું, એક સ્ત્રી તરીકે તો નહીં જ. ત્યક્તા મા હોવાનું દુઃખ શું હોય છે, એ પૂછી જોજે તારી મમ્મીને !’

      વૃંદા, તેં મારા દૂઝતા ઘા પર હાથ મૂકી દીધો !!
      રૂમ પર પાછા આવતાં અમે હાંફી ગયા. માથે ભારેખમ મૌનનું પોટલું ઉપાડ્યું હતું જાણે !

      જરાક કળ વળતાં મેં પૂછ્યું, ‘પરંતુ તેં રાજીનામું શા માટે આપ્યું? કામાણીસાહેબે ય તને ન રોકી ?’
      ‘એમણે ત્રણ મહિના પહેલાં રાજીનામું આપી દીધું.’ કહી તેણે મારા હાથમાં એક પત્ર મૂક્યો :
‘વૃંદા,
આટલા વર્ષો તારા સાથે સંબોધન શોધતો રહ્યો પરંતુ તેં સાથ ન આપ્યો.
જાઉં છું, સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને લંડનમાં ભાઈની મોટેલ છે, વ્યવસાયમાં મદદ કરીશ.
જતાં-જતાં એક વાત કહ્યા વિના નથી રહી શકતો. તેં એક સ્ત્રીનાં અધિકારની રક્ષા માટે બહુ મોટો ત્યાગ કર્યો છે, પરંતુ મને દુભવીને. તારે તો એક આધાર છે, મીરાં. પણ મારે? પ્રયત્ન કરીશ, પત્ની અને પુત્રીમાં સુખ શોધવાનો; પરંતુ જે તારી પાસેથી ય ન મળ્યું એ..... -?’
      પત્ર વાંચીને ઊંચું જોયું તો વૃંદા રૂમમાં ન હતી. પરંતુ આ પત્રમાં મારો ઉલ્લેખ?


0 comments


Leave comment