12 - ૧૨ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આટલાં વર્ષોથી અમદાવાદમાં છું તો પણ આજે સાબરમતી આશ્રમ જોયો. સવારે આઠ વાગ્યે હું અને વૃંદા પહોંચી ગયાં, સાથે થર્મોસમાં મમ્મી માટે મસાલાવાળી ચ્હા.

      પહેલી વાર સવારના પહોરમાં ઉમાશંકર જોશીની ‘પંખીલોક’ કવિતા જોઈ-સાંભળી. કદાચ ગાંધીજીનો સ્પર્શ સાચવીને ઊભેલાં વર્ષો જૂનાં આસોપાલવનાં ઘેઘૂર વૃક્ષો, અને માથે પંખીઓની કોન્સર્ટ ! એક ક્ષણ તો લાગ્યું કે, આ વૃક્ષનો જ સ્વર છે, અનેક છંદલયમાં પ્રગટતો !

      અમે ઉત્સાહમાં વહેલાં આવી ગયાં હતાં. મમ્મીની બસ તો નવની આસપાસ પહોંચવાની હતી. હું અને વૃંદા ટહેલતાં-ટહેલતાં આશ્રમનાં પાછલા ભાગમાં સાબરમતીને ઘાટે બેઠાં. નદી તો એને કેમ કહેવી ? બંધિયાર કાળું પાણી હતું, ઉદાસ ચિત્તે આસપાસનાં પરિસરનું અર્ધું-પર્ધુ પ્રતિબિંબ ઝીલતું. આ જોઈ મને યાદ આવી ગઈ બનારસની ગંગા.

      લગભગ ચાર વર્ષ થઇ ગયાં. એ દૃશ્ય આજે ય અકબંધ છે. ગંગા અને વરુણાના સંગમથી થોડે દૂર પુલ પાસે ગંગામાં શહેરની ગંદકી ઠાલવતું નાળું.... આગળ જતા આદિકેશવ ઘાટ પર ગંગાનાં સ્થિર જળમાં ઝિલાતું આદિકેશવનું મંદિર, શિખર, કળશ, સમગ્ર મંડપ, ઘાટનાં પગથિયાં પર પતંગ ચગાવતાં છોકરાં, અહીં-તહીં મોં મારતી એક સફેદ બકરી.... અમારી કોઈ પાતાળનગરી તરફ સરકતી હતી. સહેજ હવાની લહેરખી આવે અને પાતાળનગરીના રાજાનો આખો મહેલ ઠેસ લઇને હીંચકા માંડે.... તો ક્યારેક ગતિ વધતાં બધું જ ગરક થઈ જાય અને સપાટી પર રહે અવગતિયા મહેલના અવશેષ જેવા સાપોલિયાં. ગંગાની જેમ ઊડી ગયેલા આસમાની રંગને ઓઢીને પડી છે આ સાબરમતી !

      ‘એ બહેન, ઘાટ પર બેસવાની મનાઈ છે.’ કહેતાં ચોકીદારે અમને બહાર કાઢ્યાં. બે છોકરીઓને એકદમ ચુપચાપ બેઠેલી જોઈને એને કશાક અમંગળનો ભય લાગ્યો હશે. હું વૃંદાને કંઈ કહેવા જાઉં ત્યાં તો દૂરથી ભજનનો સામૂહિક સ્વર સંભળાયો. ‘વૈષ્ણવજન તો તેને....’ મમ્મીની જ બસ હશે. દોડીને પહોંચી ગઈ બસ પાસે. બસમાંથી ઊતરતી મમ્મીને જોતાં જ મારા કાનમાં ગુંજી ઊઠ્યું વૃંદાનું વાક્ય, ‘ત્યક્તા મા હોવાનું દુઃખ કેવું હોય છે તે પૂછી જોજે તારી મમ્મીને....’

      આછા ગુલાબી રંગની પ્લેન સાડી, કપાળમાં મોટો ગોળ લાલચટ્ટક ચાંદલો, ગરદન પર ઢળતો ભરાવદાર અંબોડો અને ચહેરા પર ભીંજાયેલું સ્મિત... જાણે હું મમ્મીને પહેલી વાર જ જોતી હતી. એનો ગૌર ગુલાબી અને સાડીનો આછો ગુલાબી એકમેકમાં કેવા ભળી જતા હતા ! જોતાં લાગ્યું કે મીઠા કૂણા તડકામાં ઊભી છું.....

      ‘કેમ છે મારી મોંઘી મિરાંત મીરાં’ સાંભળતાં જ વળગી પડી હું એને. એના અવાજમાં એક નવો સ્વર સાંભળ્યો, મનોમન હું બોલી ઊઠી, ‘મા, હું તારું બધું દુઃખ લઇ લઈશ.’ પણ એની એકલતા ?

      એ તો બુધિયાએ બચાવી લીધી મને. એ મમ્મીનો પ્રિય વિદ્યાર્થી છે. મારા હાથમાં બોરની થેલી આપતાં કહે, ‘તી મીરાંબોન, આ લ્યો, મારી બાએ કીધું કે લઈ જા તારી બેનની સોડી હાટુ.’

      પાછાં વળતાં રસ્તામાં મને મૂડમાં લાવવા વૃંદા કહે, ‘હજી હમણાં નાતાલમાં તો મમ્મી પાસે રહી આવી છે !’
      વૃંદા, તું ય સમયને કેલેન્ડરથી માપીશ !!


0 comments


Leave comment