13 - ૧૩ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે વૃંદાએ ‘વુડલેન્ડ’માં પાર્ટી આપી. સમય હતો એટલે પારેખ્સમાં આંટો માર્યો. ચીમનલાલ અને વકીલ્સનાં સરસ કાર્ડ્ઝ અને લેટરપેડ જોઈ મન ખુશ થઈ ગયું. વૃંદાએ મને લેટરપેડની ભેટ આપી, ‘પાનખર.’ વિવિધ આકારના સુકાયેલાં પાંદડાંના બ્રાઉન બ્લોક્સ અને ઓફ વ્હાઈટ બેકગ્રાઉન્ડ. આવી સુંદર જો હોય, તો પાનખર પણ ગમે.

      જમીને નીકળ્યાં, તો કહે કે, ‘નહેરુબ્રિજ ચાલી નાખીએ.’ એણે સરદારપાર્કના દરવાજેથી રંગબેરંગી ફુગ્ગા ખરીદ્યા. આજે એ કંઈક ઓર જ મૂડમાં હતી. મારી સાથે ચાલતી હતી, પણ સતત લાગતું હતું. એ બીજી દુનિયામાં છે.

      બ્રિજની વચ્ચે પહોંચ્યા ત્યાં તો એણે બધા ફુગ્ગા નદીમાં ઉડાડી દીધા અને મારો હાથ પકડી કહે, ‘હેપી બર્થ ડે.’ હું કાંઈ પૂછું એ પહેલાં ફરી કહે, ‘તું ય બોલ, હેપી બર્થ ડે ટુ કે. એમ.’ અને આગળ કંઈ પણ બોલ્યા વિના એણે રિક્ષા રોકી લીધી.

      આ વૃંદાનું જો આમ જ ચાલ્યું તો... એના એમ.એ. અને રિસર્ચ સ્કોલરશિપનું શું થશે ?


0 comments


Leave comment