14 - ૧૪ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે મકર સંક્રાન્તિ. કેટલીક છોકરીઓએ પતંગ ચગાવ્યા, ધમાલ કરી, મેસમાં મામાએ ઊંધિયું અને જલેબી જમાડ્યાં પરંતુ બધું ય માત્ર રિચ્યૂઅલ.

      સાંજે સલિલ હોસ્ટેલ પર આવ્યો. સાથે એનો મિત્ર તરુણ પણ હતો. એ સાયકોલોજીમાં રિસર્ચ કરે છે. સલિલ રુચિને ફોન કરવા ઈચ્છતો હતો. બે દિવસથી એ મળી નથી. રુચિને હું ફોન કરું અને પછી એ વાત કરે.... જો આસપાસમાં જોખમ ન હોય તો ! પ્રેમી જેવી જીવનની સુંદર અભિવ્યક્તિમાં ય આમ છાનગપતિયાં કરવાં પડે.... માણસનું આ તે કેવું દુર્ભાગ્ય ! અંહ, આપણને ખોડીબારાં ન ચાલે, આપણે તો સીધી વાડ જ ઠેકીએ.

      વૃંદા આજે ઘેર ગઈ છે. તેના ભાઈએ મને ય ઊંધિયાપાર્ટીમાં બોલાવી હતી. પણ સત્તરમીએ મારે ગાઈડને પહેલા પ્રકરણનો પહેલો ડ્રાફ્ટ આપવાનો છે. બે વર્ષ પૂરાં થવામાં છે અને લખવાનું, હવે શરુ થાય છે ! પરંતુ વિષય જ એટલો મોટો અને ફેલાયેલો છે કે ઘણીવાર ચિંતા થાય છે કે કેવી રીતે પૂરું થશે ? સન ૧૯૩૬ થી ૧૯૮૦ સુધીની હિન્દી નવલકથા, શે સમેટાશે મારાથી ? જો મને ગમતો વિષય લેવા મળ્યો હોત તો !

      કેટલાંય વર્ષોથી હોસ્ટેલમાં રહું છું પરંતુ આજે રૂમ સતત ખાલી ખાલી લાગે છે. અઠવાડિયામાં જ વૃંદાની ટેવ પડી ગઈ. આ પલંગે ય એકાએક મોટો મોટો લાગવા માંડ્યો છે.


0 comments


Leave comment